રૈયા વિસ્તારમાં સંબંધના દાવે રહેવા માટે ભાઈએ આપેલું મકાન બહેને પચાવી પાડ્યું
શહેરના રૈયા વિસ્તારમાં આવેલું મકાન કાલાવડના બેડીયા ગામના વૃધ્ધે કૌટુંબીક બહેનને રહેવા માટે આપેલું હતું. જે મકાન ખાલી કરવાનું કહેતા બહેને મકાન ખાલી નહીં કરી પચાવી પાડતાં આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે આરોપી કૌટુંબીક બહેન વિરૂધ્ધ લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, કાલાવડ તાલુકાના બેડીયા ગામે રહેતા અને જામનગર જિલ્લાના નિવૃત્ત સર્કલ ઓફિસર નરેન્દ્રસિંહ માનસિંહ જાડેજા (ઉ.78)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં ગોપાલ ચોક પાસે ભીડભંજન સોસાયટીમાં રહેતાં તેના કૌટુંબીક બહેન રંજનબા બળદેવસિંહ રાયજાદાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાજકોટ તાલુકાના રૈયા સર્વે નં.81 પૈકીની બિનખેડવાણ જમીનના પ્લોટ ઉપર મકાન બનાવી આરોપી કૌટુંબીક બહેનને વર્ષ 1994માં રહેવા માટે આપ્યું હતું. બાદમાં આ મકાન ફરિયાદીએ ખાલી કરવાનું કહેતા તેમણે મકાન ખાલી કરવાની ના પાડી દીધી હતી અને મકાનના પૈસા માંગ્યા હતાં અને પૈસા નહીં આપો તો મકાન ખાલી નહીં કરી તેમ જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ આ અંગે લેન્ડગ્રેબીંગની અરજી કરી હતી જેના આધારે યુનિવિર્સટી પોલીસે ફરિયાદીનાં કાકાની દીકરી રંજનબા રાયજાદા વિરૂધ્ધ લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધી વધુ તપાસ એસીપી બી.જે.ચૌધરીએ હાથ ધરી છે.