સાસુના ત્રાસથી સીંધી યુવાને આપઘાત કર્યો હતો, મૃતકની ચીઠ્ઠીએ ભેદ ઉકેલ્યો
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા આશાસ્પદ સિંધી યુવાને આજથી બે માસ પહેલાં પોતાની સાસુના કથિત ત્રાસ ના કારણે વિષપાન કરી લઇ આત્મહત્યા કરી લેવા અંગેના પ્રકરણમાં મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસે મૃતક યુવાનની સાસુ સામે ગુનો નોંધ્યો છે. મૃતકે લખેલી ચિઠ્ઠી પોલીસે કબજે કરી લઇ તપાસ કર્યા પછી આ ગુન્હો નોંધ્યો છે.
આ બનાવ ની વિગત એવી છે કે જામનગર શહેરના ગુલાબનગર ખાતે રહેતા દિલીપ ચંદ્રકાંત જેઠવાણી, (જાતે: સિંધી ઉ.વ: 28 વર્ષ) એ પોતાની સાસુ સાથે ના અણબનાવો ને લઈને ઘરકંકાસ થી કંટાળી જઇ ગત 17.5.2025 ના રોજ સવારના અરસામાં રણજીતસાગર ડેમ નજીક ખેતી માટે વપરાશ ની દવા નું વિષપાન કરતાં તેને બેભાન હાલતમાં જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલ માં આઈ.સી.યૂ માં સારવાર હેઠળ ખસેડાયો હતો, જયાં ત્રણ દિવસની સારવાર પછી તેનું મૃત્યુ નીપજ્યું હતું.
જે બનાવની જાણ થતાં પંચકોષી એ. ડિવિઝન નો પોલીસ સ્ટાફ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને સમગ્ર બનાવ મામલે પોલીસ ફરિયાદ ની તજવીજ હાથ ધરી હતી. અને મૃતક યુવક દ્વારા લખેલી ચિઠ્ઠી પરિવાર ને હાથ લાગતાં તેમાં પોતે હારી થાકીને સાસુના ત્રાસ ના કારણે વિષપાન કરી રહ્યો છે, તેવો ઉલ્લેખ કર્યો હતો. જે ચાર પાનાની ચિઠ્ઠી પરિવાર દ્વારા પોલીસને સુપ્રત કરાઈ હતી, જે ચિઠ્ઠી ના આધારે પોલીસ તંત્રએ આગળની તપાસ કરી હતી.
જે તપાસમાં સાસુના ત્રાસના કારણે આ બનાવ બન્યો હોવાનું તારણ કાઢીને પંચકોશી બી. ડિવિઝનના પી.આઈ.વી.જે. રાઠોડ અને તેઓની ટીમેં મૃતકના માતા વિદ્યાબેન ચંદ્રકાંતભાઈ જેઠવાણી ની ફરિયાદના આધારે મૃતક દિલીપની સાસુ ગુલાબ નગરમાં રહેતી દીપાબેન કિશોરભાઈ સોલંકી સામે બી.એન.એસ. એક્ટ 2023 ની કલમ 108 મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.