ગોંડલના હનુમાનજીના મંદિરમાંથી 40 હજારના ચાંદીના છતરની ચોરી
સીસીટીવીના આધારે તસ્કરની શોધખોળ
ગોંડલના દરબાર ચોક ચત્રભુજ શેરીમાં આવેલા ગોંડલીયા હનુમાનજી મંદિરમાં તસ્કરો ત્રાટકયા હતાં. મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિનો ચાંદીનો મુગટ અને ગણપતિની મુુર્તિ ઉપરનું ચાંદીનું છતર સહિત 40 હજારની મત્તા ચોરી ગયા હતાં. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ, ગોંડલના દરબાર ચોક નજીક ચત્રભુજની શેરીમાં આવેલ ગોંડલીયા હનુમાન મંદિરમાં તસ્કરો ત્રાટકયા હતાં.
બે દિવસ પૂર્વે ગત તા.2-7નાં રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 3.30 વાગ્યા સુધી બંધ રહેલા મંદિરમાં ઘુસેલા તસ્કરોએ હનુમાનજી મંદિર પરનો ચાંદીનો મુગટ તથા ગણપતિની મૂર્તિ પરના ચાંદીના ચાર છતર સહિત 40 હજારની ચોરી કરી ગયા હતાં. આ મામલે નજીકમાં રહેતા વેપારી જીવણભાઈ મનસુખભાઈ બુધ્ધભટ્ટીએ ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આ મામલે ગુનો નોંધી મંદિર આસપાસના સીસીટીવી ફુટેજ તપાસતા ચોરીની ઘટનામાં પોલીસને મહત્વના સીસીટીવી ફુટેજ હાથ લાગ્યા છે. જેના આધારે પોલીસે તસ્કરોનું પગેરૂ દબાવવા વધુ તપાસ શરૂ કરી છે. ગોંડલના ચત્રભુજ શેરીમાં ચોરીની ઘટનાથી ભાવીકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને આ મામલે પોલીસને તાત્કાલીક ચોરને પકડી પાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ ચોરીમાં કોઈ નજીકનું જાણભેદુ હોવાની શંકાએ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.