તહેવારોમાં ચડ્ડી બનિયાન ટોળકીનો તરખાટ, છ મકાનોમાં ત્રાટકી
પંચાયતનગર ચોકમાં NRIના બંગલામાંથી રોકડ ઘરેણાં ભરેલી તિજોરી ઉપાડી ગયા: આશરે 15 લાખની ચોરીની શંકા
માધાપર ચોકડી પાસે આવેલા રત્નમ રોયલ બંગ્લોમાં તબીબ સહિત એક સાથે પાંચ મકાનમાં ચોરીને અંજામ આપ્યો
રાજકોટમાં તહેવારો અને વરસાદમાં તસ્કરોને જલ્સા પડી ગયા હતાં તહેવારોમાં વરસાદ વિઘ્ન બન્યો હોય જેના કારણે તસ્કરોને મોકળુ મેદાન મળી ગયું હતું અને રાજકોટમાં બે અલગ અલગ સ્થળોએ ત્રાટકેલ ચડ્ડી બનિયાનધારી ટોળકીએ છ મકાનમાં ત્રાટકી આશરે 15 લાખથી વધુની મત્તા ચોરી ગયા હતાં. શહેરના યુનિવર્સિટી પોલીસ મથક અને ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાથી સમગ્ર પોલીસ તંત્ર સફાળુ જાગી ઉઠયું છે અને દોડતું થઈ ગયું છે. ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો આ તસ્કર ટોળકીનું પગેરૂ મેળવવા કામે લાગી છે.
શહેરમાં અલગ અલગ બનેલા ચોરીના છ બનાવોથી પોલીસ તંત્રના કહેવાતા પેટ્રોલીંગ અને ચેકીંગના સામે અનેક સવાલો ઉભા થયા છે. ચોરીની પ્રથમ ઘટનામાં યુનિવર્સિટી રોડ પર પંચાયતનગર શેરી નં.2 63/એ આદીનાથ મકાનમાં રહેતા એનઆરઆઈ હાલ મસ્કત રહેતા કમલેશભાઈ ખોડીદાસભાઈ મહેતા (ઉ.65) થોડા વખત પૂર્વે રાજકોટ આવ્યા હોય અને ગત તા.10-8ના રોજ સવારે વલસાડના ધરમપુર ખાતે સીમત પ્રસંગે ગયા હોય તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને બાજુના પ્લોટમાંથી મકાનમાં ઘુસેલા તસ્કરો સોના, ચાંદીના દાગીના અને રોકડ ભરેલી આખી તિજોરી ઉઠાવી ગયા હતાં.
આ અંગેની જાણ રાજકોટ આવેલા કમલેશભાઈને થતાં તેઓએ તાત્કાલીક પોલીસને જાણ કરી હતી. કમલેશભાઈના કૌટુંબીક સગા પ્રધ્યુમન રોયલ હાઈટસમાં રહેતા હર્ષદભાઈ મહેતા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. આ મામલે ક્રાઈમ બ્રાંચ એસઓજી અને યુનિવર્સિટી પોલીસ સાથે એલસીબીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતાં બે શકમંદો સીસીટીવીમાં કેદ થયા હતાં. આ ચોરીમાં બે શખ્સોથી વધુની સંડોવણી હોવાનું શંકા વ્યકત કરવામાં આવી રહી છે. મોટી તિજોરી ચોરી કરીને ઉપાડી જવા માટે બે શખ્સોથી વધુ શખ્સો સંડોવાયેલા હોય તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
ચોરીના અન્ય બનાવમાં મોરબી બાયપાસ પાસે એડીબી હોટલ પાછળ રત્નમ રોયલ બંગ્લોમાં એક સાથે પાંચ મકાનમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી. જેમાં મકાન નં.64માંથી મંદિરના ડોવરમાંથી રૂા.4 હજાર જ્યારે મકાન નં.69માં રહેતા અને વિમાના દવાખાનામાં તબીબ તરીકે નોકરી કરતાં ડોકટર અજય રમેશભાઈ મઢવીના ઘરમાંથી સોનાનો શેટ, દોઢ ગ્રામની વિંટી સહિતની ચીજવસ્તુઓ ચોરી કરી ગયા હતાં. તેમજ મકાન નં.66માં રૂપાબેન ખાંટના મકાનમાંથી પાંચ હજારની પાવર બેંક અને રોકડ સહિતની મત્તા ચોરી ગયા હતાં.
ઉપરાંત સંજયભાઈ પ્રતાપભાઈ જાદવના મકાનમાંથી 7 હજાર રોકડા ચોરી કરી ગયા હતાં. એક સાથે પાંચ બંગલામાં ચોરી કરનાર આ ચડ્ડી બનિયાધારી ટોળકી સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ટોળકીનું પગેરૂ મેળવવા માટે રાજકોટ શહેરભરની પોલીસ કામે લાગી છે.
50 જેટલી પીસીઆર ખોટવાતા પેટ્રોલિંગ બંધ પડતાં તસ્કરો ફાવ્યા
શહેરમાં ભારે વરસાદ બાદ પેટ્રોલીંગ કરતી પોલીસની 50 જેટલી પીસીઆર વાન ખોટવાઈ ગઈ છે અને છેલ્લા પાંચ દિવસથી આ પીસીઆર વાન રીપેરીંગ માટે પોલીસના એમ.ટી.વિભાગ અને ગોંડલ રોડ પરના એક ખાનગી ગેરેજમાં બંધ હાલતમાં છે જેના કારણે શહેરભરમાં છેલ્લા પાંચ દિવસથી પોલીસનું પેટ્રોલીંગ બંધ પડયું છે જેનો લાભ આ તસ્કરો લઈ ગયા હતાં.
પાંચ મકાનમાં ચોરી કરનાર ટોળકી સીડી પણ સાથે લાવી હતી
માધાપર ચોકડી પાસે મોરબી બાયપાસ પર એડીબી હોટલ પાછળ રત્નમ રોયલ બંગલોમાં તબીબ સહિત પાંચ મકાનોમાં ચોરી કરનાર આ ચડ્ડી બનિયાધારી ટોળકીના કારનામા અંગે ત્યાંના રહેવાસી હેમલભાઈ બક્ષીએ જણાવ્યું કે આ ટોળકી ચડ્ડી અને બરમુંડામાં હતાં રાત્રે આશરે અઢીથી ત્રણ વાગ્યાના સુમારે ત્રાટકેલા આ ચડ્ડી બનિયાધારી ટોળકી ચોરી કરવા વખતે મકાનમાં અંદર પ્રવેશવા માટે સીડી પણ સાથે લાવ્યા હતાં અને આ પાંચ મકાનમાં જે હાથમાં આવ્યું તે તમામ ચોરી કરીને ઉઠાવી ગયા હતાં.