રાજકોટમાં 2.14 કરોડની રોકડ સાથે શેરબ્રોકર પકડાયો
આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ચેકિંગ દરમિયાન બેડી ચોકડી પાસેથી કારમાં રોકડ સાથે ઝડપી લીધો
રાજકોટના બેડી ચોકડી પાસે આર્થિક ગુના નિવારણ શાખાએ ચેકીંગ દરમિયાન 90 લાખની રોકડ સાથે શેર બ્રોકરને ઝડપી લીધા બાદ તેની ઓફિસેથી વધુ 1 કરોડ 24 લાખ કબજે કર્યા હતાં. આમ આર્થિક ગુના નિવારણ શાખાએ 2 કરોડ 14 લાખની રોકડ સાથે શેર બ્રોકરની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાના પીએસઆઈ ચંદ્રસિંહ જાડેજા અને તેમની ટીમ બેડી ચોકડી પાસે ચેકીંગમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં નીકળેલી એકસયુવી 300 કારને અટકાવી હતી. કારના ચાલક શેર બ્રોકર નિલેશ મનસુખભાઈ ભાલોડીની કારમાં તલાસી લેતાં 90 લાખની રોકડ મળી આવી હતી. આ બાબતે તપાસ કરતાં નિલેશ ભાલોડી કોઈ સંતોષકારક જવાબ નહીં આપતાં વધુ તપાસ માટે આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે 150 ફુટ રીંગ રોડ પર નાનામવા સર્કલ પાસે મારવાડી શેર બ્રોકરની બિલ્ડીંગ પાસે ઓફિસ ધરાવતાં નિલેશ ભાલોડિને ત્યાં ઓફિસે દરોડો પાડયો હતો. જ્યાંથી વધુ 1 કરોડ 24 લાખ મળી આવ્યા હતાં. ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાએ 2 કરોડ અને 14 લાખ રોકડ કબજે કરી હતી અને આ મામલે શેર બ્રોકરની પુછપરછ કરતાં આ શંકાસ્પદ રોકડ બાબતે કોઈ આધાર પુરાવા રજુ નહીં કરી શકનાર શેર બ્રોકરની આ રોકડ કબજે કરવામાં આવી હતી અને આ મામલે વિશેષ પુછપરછ શરૂ કરવામાં આવી છે.
શહેરમાં બનતા આર્થિક ગુનાઓ માટે ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાને કાર્યરત કરવામાં આવી હોય ત્યારે આ ટીમ દ્વારા બેડી ચોકડી પાસે ચેકીંગ દરમિયાન શેર બ્રોકરની કાર અને તેની ઓફિસેથી મળેલી 2.14 કરોડની રકમ કબજે કરવામાં આવી છે તેમજ તેના બેંક ખાતાની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. છેલ્લા ઘણા વખતથી ગેરકાયદેસર રીતે વિદેશથી તેમજ અલગ અલગ છેતરપીંડીથી મેળવેલ રૂપિયાના હવાલા પ્રકરણ એક પછી એક પ્રકાશમાં આવી રહ્યાં હોય ત્યારે આ મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ શેર બ્રોકર નિલેશ ભાલોડીની વિશેષ પુછપરછ શરૂ કરી છે.
ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચનાથી એસીપી ભરત બી.બસીયા અને પીઆઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ચંદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, વિરમભાઈ ધગલ સહિતના આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે આ કામગીરી કરી હતી.