ભાવનગરમાં શરમજનક ઘટના!!! 60 વર્ષીય નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું
ભાવનગરમાંથી શરમજનક ઘટના સામે આવી છે. 60 વર્ષીય એક નિવૃત્ત અધિકારીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી છે. આ ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી છે,
મળતી વિગતો અનુસાર આરોપીની ઓળખ હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યા તરીકે થઈ છે, જે ભાવનગરના બહુમાળી ભવન ખાતે જિલ્લા સહકારી મંડળીમાં ક્લાસ-ટુ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા અને હાલ નિવૃત્ત જીવન જીવતા હતા. આરોપી હસમુખ પંડ્યાએ સગીરાના ઓળખીતા પરિવાર સાથે સારો વ્યવહાર કેળવીને તેમનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો.
ફરિયાદ અનુસાર બનાવના દિવસે આરોપીના પત્ની અને અપરિણીત દીકરો કામથી ઘરેથી બહાર ગયા હતા. ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈને આરોપી હસમુખ પંડ્યાએ પોતાના ઘરે સગીર બાળકી સાથે આ ઘૃણાસ્પદ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે સગીરાના પરિવારની ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યાની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.