પત્નીની હત્યા કર્યા બાદ પતિએ આપઘાત કરી લેતાં બે દીકરાઓ નોંધારા બન્યા
વેરાવળ તાલુકાના ડારી ગામે પત્નીની હત્યા કરી પતિ ફરાર થયો હતો. આ ફરાર પતિ નો મૃતદેહ ગામ ની કબ્રસ્તાન ની દરગાહ માં મળી આવ્યો છે. પ્રાથમિક અનુમાન મુજબ પતિએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. આ બનાવ થી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગઇ કાલે શુક્રવારે પત્નીને આડેધડ સાત જેટલા છરી ના ઘા ઝીંકી ને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ મોટર સાયકલ અને છરી મૂકી ને નાસી છૂટ્યો હતો.
ગઈ કાલે વિનોદ સોમા ધોળીયા નામના વ્યક્તિએ તેની પત્ની ચંપાબેન વિનોદ ભાઈ ધોળીયા ઉ.વ. 42 ની છરીના ઘા મારી ડારી ગામે નિર્મમ હત્યા કરી હતી. ચંપાબેન છેલ્લા પાંચ મહિનાથી ડારી ગામે આવેલા પોતાના પિયરમાં રિસામણે રહેતા હતા. પત્ની ની હત્યા કર્યા બાદ વિનોદ પોતાની મોટર સાયકલ અને છરી ઘટના સ્થળે મુકી ફરાર થઈ ગયો હતો. તેનો મોબાઈલ બંધ આવતા પોલીસ માટે તેની શોધખોળ એક મોટો પડકાર બની હતી.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પ્રભાસ પાટણ પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ શરૂૂ કરી હતી. આજે વહેલી સવારે એલસીબી પીએસઆઇ સિંધવ ને ડારી ગામના કબ્રસ્તાન નજીક આવેલા પાઇર પીર ની દરગાહ ખાતે એક પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી હતી. તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી તપાસ કરતા આ મૃતદેહ પત્નીની હત્યા કરી ફરાર થયેલા વિનોદ સોમા ધોળીયા નો હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં વિનોદે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. પોલીસ તપાસ શરૂૂ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. બનાવના સ્થળેથી સુસાઇડ નોટ જેવી એક ચિઠ્ઠી મળી હોવાની ચર્ચા છે.
પોલીસ આ ચિઠ્ઠી ની સત્યતા અને તેમાં લખેલી વિગતો અંગે તપાસ કરી રહી છે. બે દીકરા એ મા-બાપ ની છત્રછાયા ગુમાવી પત્નીની હત્યા બાદ અફસોસ ના કારણે વિનોદે આપઘાત કર્યો કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ લોહિયાળ દાંપત્ય જીવન ના અંત ને કારણે તેમના બે પુત્રો એ માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.