મુળીના ઉમરડાના યુવાનને માર મારી સાત શખ્સે સોનાનો ચેઇન-રોકડ સહિત 5.14 લાખની લૂંટ ચલાવી
હાલ અમદાવાદ રહેતા અને મૂળ ઉમરડા ગામનો યુવાન દ્વારકાથી દર્શન કરીને અમદાવાદ કારમાં મિત્રો સાથે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ડોળીયા પાસેના બ્રિજ પર ટ્રાફિક જામ થતા યુવાન જેમાં હતો તે કાર ઉભી હતી. આ સમયે મૂળી તાલુકાના ઉમરડા ગામના 3 તેમજ 4 અજાણ્યા સહિત 7 શખ્સ કારમાં આવીને યુવાનને બહાર કાઢીને મારમારીને 7 તોલાની ચેઇન અને રોકડ મળી 5.14 લાખની લૂંટ કરી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઘટનામાં પોલીસે ગોપાલ વેરશી, વેરશી શામળા, રણછોડ શામળા તેમજ સુદામડા ગામના રામાભાઇ શામળાભાઇ સાંબડને ઝડપી લીધા હતા.મૂળી તાલુકાના ઉમરડા ગામે 12 વર્ષ પહેલા રઘુભાઈ ભરવાડને વેરશીભાઈ તરગટા સાથે દૂધ ભરવાની બાબતના મનદુ:ખ થયું હતું. જેનું મન દુ:ખ રાખીને હાલમાં અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા અને જમીન લે-વેચનું કામ કરતા ભરવાડ રઘુભાઈ કાનાભાઈ મંગોડા પોતાના મિત્ર સુરેશભાઈ જીવણભાઈ, ઘનશ્યા મભાઈ પટેલ, જયેશ અમૃતભાઈ પટેલ સાથે પોતાની ક્રેટા ગાડી લઈને દ્વારકા મંદિરથી દર્શન કરીને અમદાવાદ જઈ રહ્યા હતા. આ દરમિયાન સાંજના સમયે ડોળીયા પાસેના બ્રિજ ઉપર ટ્રાફિક જામ થતાં કાર ઉભી હતી. દરમિયાન ઉમરડા ગામના વેરશીભાઈ તરગટા, ગોપાલભાઈ વેરશીભાઈ, રણછોડ ભાઈ શામળાભાઈ તેમજ 4 અજાણ્યા શખસોએ લાકડીઓથી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા.
કારમાંથી રઘુભાઈને બહાર લાવીને માર માર્યો હતો. બનાવ સમયે સાથે રહેલા 3 મિત્રોને 4 અજાણ્યા શખસે લાકડીથી દબાવીને ઊભા રાખી દીધા હતા. જેમાં વેરશીભાઈ, ગોપાલ ભાઈ અને રણછોડભાઈએ રઘુભાઈના ગળામાં પહેરેલા 7 તોલા સોનાની ચેઈન અને ચકતું કિંમત રૂૂપિયા 5 લાખ તેમજ રોકડ રૂૂપિયા 14,000 બળજબરી પૂર્વક કાઢી લીધા હતા. ઇજાગ્રસ્ત રઘુભાઈને 108માં સાયલા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પગના ભાગે ગંભીર ઈજા થવાને કારણે વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. આ બાબતે સાયલા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.