પડધરી પાસે ઉમિયા ચાની ફેક્ટરીમાંથી સાત લાખ રોકડની ચોરી
રાજકોટ-જામનગર હાઈવે પર તરધડી પાસે આવેલ ઉમિયા ટી નામની ચાની ફેક્ટરીમાં સ્ત્રીનો વેશ ધારણ કરી ફેક્ટરીમાં ઘુસેલા શખ્સે લોખંડની તિજોરીમાંથી સાત લાખ રોકડની ચોરી થઈ હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હોય બીજી તરફ ચોરીમાં સંડોવાયેલા શખ્સને રાજકોટ ભક્તિનગર પોલીસે ઝડપી લઈ સાત લાખ રોકડ કબ્જે કરી હતી. ઝડપાયેલા શખ્સે અગાઉ પણ ત્રણ ફેક્ટરીમાં ચોરી કર્યાનું ખુલ્યું છે.
મળતી વિગતો મુજબ રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર ગીરીરાજ હોસ્પિટલ પાસે સાંઈ નગર સોસાયટીમાં રહેતા રમણીકભાઈ વાલજીભાઈ સાણંદીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની રાજકોટ-જામનગર હાઈવે પર પડધરી નજીક તરધડી ગામ પાસે ઉમિયા ટી પ્રાઈવેટ લીમીટેડ નામની ફેક્ટરી આવેલી છે.
ત્યાં ચાની ભૂકીનું પેકીંગ કરી વેચાણ કરે છે. ગત તા. 14ના રોજ તેઓ ફેક્ટરીથી ઘરે આવ્યા બાદ સાંજે ઘરેહતા ત્યારે બીજા દિવસે સવારે ફેક્ટરીના એકાઉન્ટન્ટ નિકુંજભાઈનો ફોન આવ્યો હતો અને ઓફિસમાં ચોરી થયાનું જણાવ્યું હતું, રમણીકભાઈ તાત્કાલીક ફેકટરી ખાતે પહોંચ્યા હતા અને આ મામલે પોલીસને જાણ કરી હતી.
પડધરી પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ પણ તરધડી નજીક આવેલ ઉમીયા ચાની ફેક્ટરી ખાતે દોડી ગયો હતો. ફેક્ટરીના અંદર તપાસ કરતા રમણીકભાઈની ઓફિસમાં બધી વસ્તુઓ વેરવિખેર હતી અને ઓફિસમાં ફીટ કરેલી તિજોરી કે જેમાં લોખંડની સાંગળી વડે કાઢી તેમાં રાખેલ રૂપિયા સાત લાખની રોકડ ચોરી થઈ હતી.
સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે, રાત્રે 12:15 કલાકે એક શખ્સ ફેક્ટરીના તાર તોડીને અંદર પ્રવેશ્યો હતો અને રસોડાની બારી તોડીને અંદર ઘુસેલો આ શખ્સ ઓફિસ સુધીપહોંચી અને ત્યાંથી સાત લાખની રોકડ ચોરી ગયો હતો. આ મામલે પડધરી પોલીસે ફરિયાદ નોંધી હતી. બીજી તરફ આ ચોરીના બનાવમાં ભક્તિનગર પોલીસે રાજકોટમાંથી અંકિત વિકાણી નામના એક શખ્સને સાત લાખની રોકડ સાથે ઝડપી લીધો હોય જેની પુછપરછ કરતા આ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયોહતો અને તેને પડધરી પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરાઈ છે.