AMCમાં ફૂડ વિભાગમાં ઇન્સ્પેકટરની નોકરી અપાવવાની લાલચ આપી સાત ઉમેદવાર સાથે 35.15 લાખની ઠગાઇ
અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં ફુડ વિભાગમાં ઈન્સપેકટર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી 7 ઉમેદવારોના રૂૂપીયા 35.15 લાખની છેતરપિંડી આચરાઈ છે. જેમાં મહિલા સહિત 3 આરોપીઓ સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. સુરેન્દ્રનગરના દુધરેજ રોડ પર આવેલ કડીયા સોસાયટીમાં 42 વર્ષીય જયેશભાઈ બાબુભાઈ મકવાણા રહે છે.
તેઓ હાલ યુગમ સર્જીકલ હોસ્પીટલમાં નર્સીંગ સ્ટાફ તરીકે કામ કરે છે. 10 વર્ષ પહેલા તેઓ એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે તેમનો વિદ્યાર્થી દાળમીલ રોડ પર આવેલ કૈલાસપાર્કમાં રહેતો કાનજી ગંગારામભાઈ કુણપરા હતો. ગત ઓકટોબર-24માં કાનજી હોસ્પીટલમાં તેના સબંધીની ખબર પુછવા આવ્યો હતો અને જયેશભાઈ સાથે વાત કરી હતી. જેમાં કાનજીએ હાલ તે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં સેનેટરી ઈન્સપેકટર તરીકે નોકરી કરે છે અને તેની સાથે રહેતી સુરેન્દ્રનગરની કીરણબેન નંદલાલભાઈ સરવાણીયા જુનીયર કલાર્ક તરીકે નોકરી કરતી હોવાનું જણાવ્યુ હતુ.
આ ઉપરાંત ત્યાં અમારૂૂ સેટીંગ છે, કોઈને નોકરી જોઈતી હોય તો કેજો તેમ કહ્યુ હતુ. તા. 19-10ના રોજ ફોન કરી કોર્પોરેશનમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગમાં ઈન્સપેકટરની ભરતી બહાર પડી છે, એક વ્યકતીના 15 લાખ વહીવટના આપવાથી નોકરીએ રાખી શકાશે. જેમાં જયેશભાઈએ ભત્રીજા અને મીત્ર માટે વાત કરી હતી. 2 દિવસ પછી કાનજી અને કીરણ બન્ને હોસ્પીટલ મળવા આવ્યા હતા. અને અન્ય કોઈ હોય તો પણ નોકરી મળશે એક ઉમેદવારના 4.5 લાખ એડવાન્સ અને ડોકયુમેન્ટ આપવાના તથા ટોકન પેટે 1 લાખ આપવાની વાત કરી હતી.
જેમાં જયેશભાઈને કુટુંબી વેવાઈ લીંબડીના ગડથલના પ્રવીણ ધીરૂૂભાઈ દેગામડીયા, ધાંગધ્રાના રાજચરાડી રહેતા કુટુંબીભાઈ સંકેત હિંમતલાલ મકવાણા, ધોળકા રહેતા મીત્ર ધ્રુવ ઘનશ્યામભાઈ મઢવી, તારાપુરના જાગૃતીબેન ધવલભાઈ અજાણા, સુરેન્દ્રનગરના હેતલબેન વિનુભાઈ ચાવડા, સુરેન્દ્રનગરના નીર્મળનગરના સંજય અરવિંદભાઈ મઢવી અને ભત્રીજા હાર્દીક રાજેશભાઈ મકવાણાને નોકરીએ રાખવાની વાત કરી હતી. અને અમદાવાદના ખમાસા વિસ્તારમાં બોલાવી અમદાવાદના વિજય રમણભાઈ વાઘેલા સાથે ઓળખાણ કરાવી હતી.
અને બાદમાં રૂૂપીયા 32.10 લાખ રોકડા, 3.05 લાખ ઓનલાઈન આ 7 ઉમેદવારોના આપ્યા હતા. અને બદલામાં 7 ઉમેદવારોના લેટર અપાયા હતા. ત્યારબાદ એએમસીમાં નોકરીનું મેરીટ લીસ્ટ બહાર પડતા એકપણનું નામ હતુ નહી. જેમાં તપાસ કરતા આ લેટર બનાવટી હોવાનું સામે આવ્યુ હતુ. આથી જયેશભાઈએ કાનજી કુણપરા, કીરણ સરવાણીયા અને વિજય વાઘેલા સામે એ ડીવીઝન પોલીસ મથકે છેતરપીંડીની ફરિયાદ નોંધાતા પીએસઆઈ બી. કે.મારૂૂડા સહિતનાઓએ આરોપી કાનજી કુણપરાને દબોચી લીધો હતો.