ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરાવી આરએમસી સ્પોર્ટસ સંકુલના સિનિયર ક્લાર્ક સાથે 5.20 લાખની ઠગાઈ
શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર સંતોષ પાર્કમાં રહેતા આરએમસીના સિનિયર ક્લાર્ક અને તેની માતાને ફિક્સ ડિપોઝીટ પોલીસીમાં રોકાણ કરાવી પાકતી મુદતે નાણા પરત ન આપી યુનિક સ્વયમ મલ્ટીસ્ટેટ કંપનીના ડિરેક્ટરોએ રૂા. 5.20 લાખની છેતરપીંડી આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રીંગ રોડ પર સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ સંતોષ પાર્ક શેરી નં. 1માં રહેતા અને આરએમસી કચેરી સ્પોર્ટસ સંકુલમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાણીબેન દિનેશભાઈ શાહ (ઉ.વ.42)એ એ ડિવિઝન પોલીસ મથકમાં યુનિક સ્વયમ મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પસ કો.ઓપ. સોસાયટી (યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડિયા પ્રા.લીમીટેડ)ના ડિરેક્ટરો વિરુદ્ધ રૂા. 5.20 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સાતેક વર્ષ પહેલા તેમને ફિક્સ ડિપોઝીટ કરાવવી હોય જેથી કોઈ કંપની સારુ વ્યાજ આપતી હોય જે અંગે તેમના બહેનને વાત કરી હતી.
બાદમાં ધનસુખભાઈ જેઠાભાઈ લોલવાણી અને રાજેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ (રે. બન્ને જામનગર) તેના ઘરે આવેલા અને તેમની યુનિક સ્વયમ કંપનીમાં ફિક્સ ડિપોઝીટમાં સારુ વ્યાજ મળશે તેમ જણાવી અલગ અલગ પ્લાન સમજાવતા ફરિયાદી રાખીબેને તેમના અને તેમના માતા રેખાબેનના નામે રૂા. 5.20 લાખનું રોકાણ અલગ-અલગ પોલીસીમાં કર્યુ હતું. ત્યાર બાદ તેમણે પોલીસી સરન્ડર કરી પાકતી મુદતે પોલીસની ડીપોઝીટની રકમ મેળવવા કંપનીની રાજકોટ ખાતે માલવિયા ચોકમાં પ્રમુખ સ્વામી આર્કેડમાં આવેલી ઓફિસે જતાં કંપનીના કર્મચારીઓએ ‘હાલ અમારી કંપની ખોટમાં ચાલે છે’ તમારા ડીપોઝીટના રૂપિયા આપી શકશુ નહીં, અમદાવાદ ખાતે મેઈન ઓફિસથી તમારા ખાતામાં જમા થશે તેમ જણાવતા તેઓ અમદાવાદ મેઈન ઓફિસે એકાદ વર્ષ પહેલા જતાં બે-ત્રણ મહિનામાં રૂપિયા જમા થઈ જશે તેમ જણાવ્યુ ંહતું. પરંતુ આજ સુધી રૂપિયા પરત ન મળતા કંપનીએ તેમની સાથે છેતરપીંડી વિશ્ર્વાસઘાત કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવતા એ ડિવિજન પોલીસે કંપનીના ડીરેક્ટરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.