જૂનાગઢમાં યુવતીને મિત્ર સાથે જોઈ ત્રણ શખ્સોએ ‘નકલી પોલીસ’ બની લૂંટ ચલાવી
અસલી પોલીસ પહોંચતા ત્રણેય મુઠ્ઠી વાળી ભાગ્યા, રૂા.20 હજારની માગણી કરી 800 રૂપિયા પડાવ્યા
વડોદરામાં મિત્ર સાથે ગરબા જોવા ગયેલી સગીરા પર ગેંગરેપ કરનાર 3 નરાધમોને પોલીસે ઝડપી લીધા છે. ત્યારે જૂનાગઢ શહેરમાં પણ અસામાજીક તત્વો મિત્ર સાથે ગરબા જોવા જતી કે રોડ પરથી પસાર થતી યુવતીઓને નિશાન બનાવવા લાગ્યા હોવાની ઘટના સામે આવી છે.
જૂનાગઢમાં છૂટક વેપારીનું કામ કરતો રાહુલ વિનોદભાઇ કાંજાણી રવિવારની રાત્રે 9 વાગ્યાના અરસામાં પોતાની એક મિત્ર યુવતી સાથે ઝાંઝરડા ખાખી નગર ખાતે ગરબી રમવા જતા હતા. તેઓ સોપાન પાર્કના સીમેન્ટ રોડ પર ઉભા રહી તેમના બીજા મિત્રોની રાહ જોતા હતા ત્યારે સ્પ્લેન્ડર નં. જીજે 11 સીઇ 2160, જીજે 11 એકે 0092 અને એક જ્યુપીટર બાઇક પર 3 લુખ્ખાઓ આવી પહોંચ્યા હતા.
તેઓએ કહ્યું, અમે પોલીસવાળા છીએ તમે બેય અહીં શું કરો છો? બાદમાં તમને જીપમાં લઇ જાશું કહેતાં રાહુલે કહ્યું, સારું લઇ જાવ અમને પોલીસ સ્ટેશન. આથી એક શખ્સે તેની પાસે રૂૂ. 20 હજાર માંગ્યા. રાહુલે પોતાની પાસે રૂૂપિયા ન હોવાનું કહેતાં તેને ગાળો દઇ કાંઠલો પકડી છરી બતાવી મારી નાંખવાની ધમકી આપી તેની પાસેથી રૂૂ. 800 કાઢી લીધા હતા. એવામાં પોલીસની જીપ આવતી જોઇ જતાં ત્રણેય શખ્સો ત્યાંથી ઉભી પૂંછડીએ નાસી છૂટ્યા હતા. બનાવ અંગે રાહુલે જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
રાહુલ અને તેની સ્ત્રી મીત્ર સાથે ત્રણેય શખ્સોએ આશરે 2 કલાક સુધી રકઝક, ધાક ધમકી આપી માર માર્યો હતો. જોકે, એવામાં યુવતીએ 100 નંબર પર ફોન કરી દેતાં પોલીસ આવી પહોંચી હતી.