દેશભરમાં ચોરીના વાહનોની લે-વેચ કરતી ટોળકીનો સાગરીત રાજકોટમાંથી પકડાયો
પીઆઈ ડી.સી. સાકરિયા અને ટીમની કામગીરી બે કાર સહિત 22 લાખના ચોરાઉ વાહનો કબજે
રાજકોટ અને સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં છેલ્લા દોઢ વર્ષથી ચોરીના વાહનો લે-વેચ કરનાર અઠંગ વાહન ચોરને ક્રાઈમ બ્રાંચની ટીમે ગોંડલ રોડ પાસેથી ઝડપી લીધો હતો તેની પાસેથી બે કાર સહિત 22 લાખની કિંમતના ચાર વાહનો કબજે કરવામાં આવ્યા છે. પકડાયેલા શખ્સ વિરૂધ્ધ દિલ્હીમાં પણ ફરિયાદ થઈ ચુકી છે. આ શખ્સ આંતરરાજ્ય વાહન ચોર ટોળકી સાથે જોડાયેલો હોવાનું પોલીસને શંકા હોય તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
શહેરમાં છેલ્લા ઘણા દિવસથી વાહન ચોરીના બનાવો વધુ બનતા હોય જેને લઈને ક્રાઈમ બ્રાંચની ટીમ સક્રિય થઈ હતી. પીઆઈ ડી.સી. સાકરીયા અને તેમની ટીમને વાહન ચોર અંગે બાતમી મળતાં ગોંડલ રોડ સ્વામી વિવેકાનંદ ઓવરબ્રીજ નીચે પાર્કીંગમાં કાર વેચવા આવેલા મુળ રવાપર ગામ મોરબીના વતની અને હાલ રાજકોટનાં ઉમિયા ચોક ગોકુલધામ સોસાયટી નજીક અંકુર સોસાયટી શેરી નં.6માં રહેતા દિપ રમણીક અઘેરા (ઉ.26)ને શંકાસ્પદ ચોરાઉ કાર સાથે ઝડપી લીધો હતો.
ક્રાઈમ બ્રાંચની પુછપરછમાં દીપ પાસે રહેલી કાર ચોરાઉ હોવાનું ખુલ્યુ હતું. વધુમાં તપાસ કરતા જાણવા મળ્યુ કે દિલ્હીથી આ ચોરીની કાર દીપ રાજકોટ વેચવા આવ્યો હતો. નંબર પ્લેટ વગરની 10 લાખની કિંમતની કિયા સેલ્ટોસ કાર દસેક દિવસ પહેલા કલકત્તા ખાતેથી બિહારના પટાણાના સાહિલ સિંઘ મારફતે કલકત્તાના અમીત પાસેથી ચોરીની સેલ્ટોસ કાર લાવ્યો હતો અને તે રાજકોટમાં વેચવાની તૈયારીમાં હતો. આ મામલે દિલ્હીના ડીસ્ટ્રીક ક્રાઈમ બ્રાંચ ખાતે ફરિયાદ પણ નોંધાઈ છે. દીપની પુછપરછમાં તેની પાસેથી અન્ય એક હુન્ડાઈ કાર અને એક એકટીવા તેમજ જીજે.36.એએ.3800 અને જીજે. 3. એલઈ.8667 નંબરનું બુલેટ પણ કબજે કરવામાં આવ્યુ હતું.
દીપની પુછપરછમા રોયલ એન્ફીલ્ડ બુલેટ દોઢેક વર્ષ પહેલા રાજકોટના કણકોટ પાસેથી તુલસી એપાર્ટમેન્ટમાંથી અને મોરબી પાર્સિંગનું બુલેટ ત્રણ મહિના પહેલા રવા પરથી તેમજ એકટીવા પણ બાર દિવસ પહેલા રવાપરથી ચોરી કર્યાનું કબુલ્યું હતું. જ્યારે હુન્ડાઈની વર્ના ઓટોમેટીક કાર જે હૈદ્રાબાદથી ચોરી થઈ હોય અને આ ચોરાઉ કાર હૈદ્રાબાદનાં તોફીક અલી નામના શખ્સ પાસેથી ખરીદ કરી ડોકયુમેન્ટ વગરની આ કારને વેચવાની હતી. છેલ્લા દોઢ વર્ષથી ચોરાઉ વાહન લે વેચ કરતો દીપ આંતરરાજ્ય વાહન ચોરીની ટોળકી સાથે સંંડોવાયેલો હોવાની શંકાએ પોલીસે તપાસ શરૂ કરી છે.
ક્રાઈમ બ્રાંચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ભરત બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયા અને બી.સી.સાકરીયાની ટીમે કામગીરી કરી હતી.