રૂદ્ર ટીએમટી સળિયાનું ભળતા નામે વેચાણ કરી કોપી રાઈટનો ભંગ કરતાં CID ક્રાઈમમાં ફરિયાદ
વાંકાનેરના જાલીડા ગામે અજય સ્ટીલ નામની ફેકટરીમાં દરોડો : 32.30 લાખનો મુદ્દામાલ કબજે
વાંકાનેરના જાલીડા ગામે આવેલી ફેકટરીમાં ભાવનગરની રૂદ્ર ટીએમટી કંપનીના સળીયાનું ભળતા નામથી ઉત્પાદન કરી વેચાણ થતું હોવાની બાતમીના આધારે ફેકટરીમાં દરોડો પાડતાં રૂદ્ર ટીએમટીના ભળતા નામે ઉત્પાદન કરેલા રૂા.32.30 લાખના સળીયાનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે કંપની દ્વારા સીઆઈડી ક્રાઈમમાં કોપીરાઈટની ફરિયાદ નોંધાવતાં પોલીસે રાજકોટ અને અમદાવાદના બે શખ્સો વિરૂધ્ધ કોપીરાઈટ ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, અમદાવાદના ન્યુ રાણીપમાં રહેતા અને ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી રૂદ્ર ગ્લોબલ ઈન્ફ્રા પ્રોડકટસ લીમીટેડ નામની કંપનીમાં મીડિયા અને એડવટાઈઝીંગ હેડ તરીકે ફરજ બજાવતાં આદીત્ય અમરીશભાઈ નાગર (ઉ.43)એ સીઆઈડી ક્રાઈમ રાજકોટમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા કનૈયાલાલ તુલસીદાસ પટેલ અને રાજકોટનાં કેનાલ રોડ પર રહેતા યામીન મહમદ ગાંજાના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની કંપની રૂદ્ર ટીએમટી નામે સળીયાનું ઉત્પાદન કરી વેચાણ કરે છે અને તેમના કોપીરાઈટના હકક તેમની પાસે છે. દરમિયાન વાંકાનેર તાલુકાના જાલીડા ગામે આવેલી અજય સ્ટીલ નામની ફેકટરીમાં તેમની રૂદ્ર ટીએમટીના નામનું કોપી કરી રૂદ્રાક્ષ ટીએમટી નામે ભળતા નામથી ઉત્પાદન કરી વેચાણ થતું હોય અને કોપીરાઈટનો ભંગ કરતાં હોય જેથી તેમણે આ કંપની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સીઆઈડી ક્રાઈમમાં અરજી કરી હતી.
જેના આધારે ફરિયાદી અને તેમની કંપનીના કર્મચારીઓ તથા સીઆઈડી ક્રાઈમના સ્ટાફ દ્વારા ગઈકાલે જાલીડા ગામે આવેલી અજય સ્ટીલ નામની ફેકટરીમાં દરોડો પાડી તલાસી લેતાં ત્યાંથી રૂદ્રાક્ષ ટીએમટીના નામે સળીયાનો અલગ અલગ જ્થ્થો મળી આવ્યો હતો.જેમાં કુલ 32.30 લાખનો સળીયાનો જથ્થો કબજે કરી પોલીસે અજય સ્ટીલ ફેકટરીના માલીક યામીન મહમદભાઈ ગાંજા હાજર હોય જેની પુછપરછ કરતાં તેમણે રૂદ્રાક્ષ ટીએમટી બ્રાંડના માલીક કનૈયાલાલ તુલીસદાસ પટેલ રહે.અમદાવાદ ના નામે ટ્રેડ માર્ક કરાવેલ હોય પરંતુ કોપીરાઈટ રજિસ્ટ્રેશન કરાવેલું ન હોય જેથી બન્ને શખ્સો રૂદ્ર ટીએમટીના ભળતા નામ રૂદ્રાક્ષ ટીએમટીના નામે લોખંડના સળીયાનું ઉત્પાદન કરી વેચાણ કરતાં હોય અને કોપીરાઈટનો ભંગ કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ અંગે ફરિયાદીએ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજય સ્ટીલ ફેકટરીના માલીક યામીન મહમદ ગાંજા અને અમદાવાદના રૂદ્રાક્ષ ટીએમટીના માલિક કનૈયાલાલ તુલસીદાસ પટેલ વિરૂધ્ધ કોપીરાઈટ ભંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ સીઆઈડી ક્રાઈમના પીએસઆઈ એન.એન.પ્રજાપતિ ચલાવી રહ્યાં છે.
