ધારાવીમાં RSS કાર્યકરની પોલીસ પ્રોટેકશન છતાંય કરપીણ હત્યા
ધારાવીમાં રાજીવ ગાંધીનગરમાં રવિવારે રાત્રે 26 વર્ષના અરવિંદ વૈશ્ય નામના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કાર્યકર પર બે લોકોએ પોલીસની હાજરીમાં તલવારથી હુમલો કરીને હત્યા કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. આરોપીઓ ધારાવીમાં જમીન કબજો કરીને લેન્ડ જેહાદ કરતા હોવાની ફરિયાદ જીવ ગુમાવનારા અરવિંદ વૈશ્યએ ધારાવી પોલીસ-સ્ટેશનમાં કરી હતી.ફરિયાદ બાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આને લીધે રવિવારે અરવિંદ વૈશ્ય પોલીસ-સ્ટેશનમાં ગયો હતો જ્યાં પોલીસે તેને પ્રોટેક્શન આપવા માટે બે કોન્સ્ટેબલને સાથે રહેવાનું કહ્યું હતું.આરિફ અને અલ્લુ નામના બે યુવકે કોન્સ્ટેબલની નજર સામે તલવારથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થતાં બાદમાં અરવિંદ વૈશ્યનું મૃત્યુ થયું હતું. ગઈ કાલે પોલીસે આ મામલામાં બન્ને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ-પ્રોટેક્શનમાં હોવા છતાં હત્યા કરવામાં આવતાં વિશ્વ હિન્દુ પરિષદ (વીઆરપી) અને બજરંગ દળના કાર્યકરોએ ધારાવી પોલીસ-સ્ટેશનમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું.