ભાડલાના બિયારણની દુકાનનું શટર ઊંચકાવી 8 હજારની ચોરી, તસ્કર સકંજામાં
ચોરીમાં સંડોવાયેલ ભાડલા ગામનો શખ્સ ઓળખાઈ જતાં પોલીસે સકંજામાં લીધો
ભાડલા ગામે આવેલી બિયારણની દુકાનની શટર ઉચકાવી રૂા.8 હજારની ચોરી થયાનું પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ હતી. જે ચોરીની ઘટનામાં સંડોવાયેલા ભાડલા ગામના શખ્સને પોલીસે સકંજામાં લઈ પુછપરછ હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જસદણ તાલુકાના નાની લાખાવડ ગામના વતની અને ભાડલા ગામે એગ્રોની દુકાન ધરાવતાં ચિરાગભાઈ ધરમશીભાઈ સાપરા નામના વેપારી ભાડલા પોલીસ મથકમાં ભાડલા ગામે રહેતાં ભોળા વસુભાઈ સભાડ વિરૂધ્ધ ભાડલા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. ચિરાગભાઈ સાપરાએ જણાવ્યું હતું કે, તેઓ નિલકંઠ એગ્રો સેન્ટર નામે દુકાન ધરાવે છે. જે દુકાનનું શટર ઉંચકી ભોળા સભાડે ટેબલના ખાનાને તોડી ગલ્લામાં રહેલ રૂપિયા 8 હજાર રોકડની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. ફરિયાદનાં આધારે પોલીસે ભોળા સભાડની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.
