જામનગર-જામજોધપુરમાંથી રૂ. 56.25 લાખની વીજચોરી પકડાઇ
જામનગર શહેરમાં પખવાડિયા ના વિરામ બાદ ગત સોમવાર થી વીજ તંત્ર દ્વારા ફરી થી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને આજે અંગ્રેજી નવા વર્ષ 2025 ના પ્રારંભે અને સતત ત્રીજા દિવસે પણ શહેર - જિલ્લા મા 46 વિજ ચેકીંગ ટુકડીઓ ને દોડતી કરાવાઇ હતી.જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે. આજે કુલ રુ. 56.25 લાખ ની પાવાર ચોરી ઝડપી લેવામાં આવી હતી.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા સોમવારે જામનગર શહેર ના જુદા જુદા વિસ્તારમાં 26 જેટલી વિજચેકિંગ ટુકડી ને મેદાનમાં ઉતારવામાં આવી હતી,અને કુલ રુ.23.10 લાખ નાં વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.
ત્યારબાદ ગઈકાલ મંગળવારે સતત બીજા દિવસે પણ વીજ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને રૂૂપિયા 25.65 લાખ ના વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.
જ્યારે આજે નવા વર્ષના પ્રારંભે અને સતત ત્રીજા દિવસે પણ વીજ ચેકિગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી .આજે જામનગર શહેર ના સનસીટી , એસ ટી ડિવિઝન વિસ્તાર , નગર સીમ ના નવા વિકસિત વિસ્તાર , હાપા માર્કેટ યાર્ડ વિસ્તાર, ગોકુલધામ સોસાયટી, કર્મચારી નગર સોસાયટી વિસ્તાર અને ધોરીવાવ તેમજ જામજોધપુર તાલુકા ના વાંસજાળીયા , તરસાઈ અને સખપુર ગામ માં ચેકિંગની કામગીરી હાથ ધરવામા આવી હતી.
આજે કુલ 46 ટીમ દ્વારા 543 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 93 વીજ જોડાણ મા ગેરરિતી જોવા મળી આવી હતી. જેથી તે આસામીઓ ને આજે કુલ રુ. 56.25 લાખ નાં વીજ પૂરવણી બિલ આપવામાં આવ્યા હતા.આમ ત્રણ દિવસમાં રૂૂ. 1 કરોડ પાંચ લાખ ની વીજ ચોરી ઝડપી લેવામાં આવી છે.
આજ ની કાર્યવાહીમાં 12 લોકલ પોલીસ અને 14 એસઆરપી જવાનો ની મદદ લેવામાં આવી હતી.