જૂનાગઢમાં કારખાનેદારના મકાનમાંથી રૂપિયા 2.17 લાખની ચોરી
જૂનાગઢમાં ખોડલધામ ટાઉનશીપમાં કારખાનેદારના મકાનમાંથી તસ્કરો રૂૂપિયા 2.17 લાખની ચોરી કરીને નાસી ગયા હતા.આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી અનુસાર મેંદરડા નજીકના બગડુ ગામે હીરાનું કારખાનું ધરાવતા અને જૂનાગઢમાં ખલીલપુર રોડ પર આવેલ ખોડલધામ ટાઉનશીપ દેવ એપાર્ટમેન્ટના બ્લોક નંબર 104માં રહેતા હિરેનભાઈ અશોકભાઈ ભુવા ગઇ તારીખ 8 ઓગસ્ટના રોજ સાંજે 7 વાગ્યે પત્ની તથા કૂતરો સાથે તેના પિયરના ગામ મેંદરડા તાલુકાના ગુંદાળા ગામે રક્ષાબંધનનો તહેવાર કરવા ગયા હતા.
શનિવારે સાંજ સુધી બંધ રહેલા મકાનના દરવાજાનો નકુચો તોડી બેડરૂૂમની અંદર રહેલા કબાટમાંથી સોનાનું મંગળસૂત્ર, પેડલ સાથેનો સોનાનો ચેન સહિતના દાગીના અને રૂૂપિયા 7000ની રોકડ મળી કુલ રૂૂપિયા 2.17 લાખની માલમતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે રવિવારે બી ડિવિઝન પોલીસે ફરિયાદ લઈ પીઆઈ એ. બી. ગોહિલે તપાસ હાથ ધરી હતી.