રાજકોટ રહેતા મહિલાના જેતપુરના બંધ મકાનમાંથી 1.96 લાખની ચોરી
રાજકોટમાં રેલનગરના સાધુવાસવાણી કુંજ રોડ પર રહેતા મુળ જેતપુરનાં મહિલાના જેતપુર સ્થિત મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં.
સંતાનોને ભણાવવા માટે રાજકોટ આવેલા મહિલાના જેતપુર સ્થિત બંધ મકાનમાં તસ્કરોએ 40 હજાર રોકડ અને દાગીના સહિત રૂા.1.96 લાખની ચોરી કરતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સીસીટીવીમાં એક શખ્સ કેદ થઈ ગયો હોય જેની શોધખોળ હાથ ધરાઈ છે. ત્યારે મળતી વિગતો મુજબ રાજકોટનાં પલ્સ હોસ્પિટલ પાસે સાધુવાસવાણી કુંજ રોડ પર રહેતા મુળ જેતપુરના જુના પાંચપીપળા રોડ પર મકાન ધરાવતાં બીનાબેન જતીનભાઈ છાંટબાર (ઉ.47)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પતિ જતીન અમૃતલાલ છાંટબારનું દોઢ વર્ષ પૂર્વે લીવરની બિમારીથી અવસાન થયા બાદ તેમની બે પુત્રી કે જે રાજકોટની મારવાડી કોલેજ અને ક્રિસ્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતી હોય તેના અભ્યાસ માટે રાજકોટ રહેવા આવ્યા હતાં અને પોતાના ભાઈ પરેશભાઈ ખખ્ખરના ફલેટમાં રહે છે.
જેતપુરના મકાને તેઓ કયારેક જતાં હોય ગત તા.11-6નાં રોજ તેઓ જેતપુર પીજીવીસીએલની કચેરીએ કામ અર્થે ગયા બાદ પરત રાજકોટ આવ્યા હતાં. ત્યારે બે દિવસ પૂર્વે 27-6નાં રોજ પાડોશમાં રહેતા તુલસીબેન ગુજરાતીનો ફોન આવ્યો હતો અને મકાનનો દરવાજો ખુલ્લો હોવાનું જણાવ્યું હતું. બીનાબેનને આ વાતની જાણ થતાં તેઓ તેમની મોટી પુત્રી રીયા સાથે જેતપુર પહોંચ્યા હતાં ત્યાં જઈને તપાસ કરતાં તેમના મકાનના બહારના ગેઈટે તાળુ મારેલ હતું. જ્યારે અંદરનો દરવાજો ખુલ્લો હતો. તપાસ કરતાં કબાટનું તાળુ તુટેલું જોવા મળ્યું હતું. અને કબાટમાં રાખેલા સોનાના બુટીયા, હાંસળી, પેન્ડલ સહિત દાગીના તેમજ 40 હજારની રોકડ સહિત 1.96 લાખની મત્તા ચોરી થઈ હતી. પુત્રીએ આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરતાં 26/6નાં રોજ સવારે પાંચ વાગ્યે એક શખ્સ ચોરી કરવા આવ્યો હોવાનું દેખાયું હતું. આ મામલે જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તસ્કરનું પગેરૂ દબાવવા વધુ તપાસ હાથ ધરી છે.