ઉપલેટાના મેખાટીંબી ગામે ટેલીફોન એક્ષચેન્જમાંથી રૂા.1.91 લાખની ચોરી
કેબલ વાયર અને 6 કાર્ડ સહિતના કવરેજને સપોર્ટ કરતા મશીન તસ્કરો ઉઠાવી ગયા
ઉપલેટાના મેખાટીંબી ગામે બીએસએનએલના ટેલીફોન એક્ષચેન્જમાં ચોરીનો બનાવ બન્યો હતો. બીએસએનએલના એક્ષચેન્જમાં ટી.જી.ટી.તેમજ એ.એન.સી. કે જે ટાવરના કવરેજ માટે ઉપયોગ થાય તેવા સીમકાર્ડ અને કેબલ વાયર સહિત રૂા.1.91 લાખની ચોરીની ઘટના બનતા આ મામલે ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધ્યો છે.
ઉપલેટાના જુના પોરબંદર રોડ પર શ્રીનાથજી એપાર્ટમેન્ટ બ્લોક નં.401માં રહેતાં ઉપલેટા બીએસએનએલ સબ ડીવીઝન એન્જીનીયર નવીનતભાઈ કેશુભાઈ દુધરેજીયાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઉપલેટાના મેખાટીંબી ગામે આવેલા બીએસએનએલ કંપનીના ટેલીફોન એક્ષ્ચેન્જમાં ચોરીનો બનાવ બન્યો હતો.
ટેલીફોન એક્ષ્ચેન્જમાં ત્રાટકેલા તસ્કરો રૂા.64000ની કિંમતના ટુ.જી.બીટીએસ મશીનના ત્રણ કાર્ડ તેમજ એ.એન.સી.તેમજ ત્રણ સીમકાર્ડ કે જે બીએસએનએલના કવરેજને સપોર્ટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે તેવા સીમકાર્ડ તથા ટુ.જી.સીસ્ટમમાંથી ટાવર સુધી જતાં આર.એફ.ફીડરમાંથી 90 મીટર વાયર સહિત રૂા.1.91 લાખના મુદ્દામાલની ચોરી કરી જતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉપલેટા પોલીસ મથકના પીએસઆઈ એસ.પી.ભટ્ટ સહિતના સ્ટાફે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
