પટનાની હોટેલમાં ગોળીઓ વરસાવી RJD નેતાની હત્યા
બિહારની રાજધાની પટણામાં કેટલાક આરોપીઓએ મંગળવારે સાંજે આરજેડી નેતા અને પ્રોપર્ટી ડીલર રાજકુમાર રાય ઉર્ફે આલા રાયની ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટના ચિત્રગુપ્ત નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, રાજકુમાર રાય તેમની કારમાં ઘર પાસે પહોંચ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો અને અંધાધૂંધ ગોળીબાર કરાયો.
ગોળી વાગ્યા બાદ, રાજકુમાર રાય પોતાનો જીવ બચાવવા માટે નજીકની એક હોટલમાં ઘૂસી ગયા, પરંતુ હત્યારાઓએ તેમનો પીછો કર્યો અને હોટલમાં અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો. એક ગોળી હોટલના ફ્રીજમાં પણ વાગી, જેનાથી તેનો કાચ તૂટી ગયો.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઈજાગ્રસ્ત રાજકુમાર રાયને તાત્કાલિક પીએમસીએચ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પોલીસને ઘટનાસ્થળેથી 6 ગોળી મળી આવી છે. પટણા પોલીસે જણાવ્યું કે, મૃતક રાજકુમાર રાય એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હતો અને પ્રોપર્ટી ડિલીંગનું કામ કરતા હતા.