એસ.ટી. બસના ચાલક અને કલીનર પર રિક્ષા ગેંગનો હુમલો
ગોંડલ ચોકડી પાસે હોર્ન મારવા મુદ્દે લુખ્ખા તત્વો છરી-પાઇપ વડે તુટી પડયા, હુમલાખોર ઇજા પહોંચાડયાના આક્ષેપ સાથે સારવારમાં
રાજકોટમા રીક્ષા ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર અન્ય વાહન ચાલકો સાથે નજીવા પ્રશ્ર્ને ઝઘડાઓ કરતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે વધુ એક ઘટનામા ગોંડલથી રાજકોટ આવતી એસટી બસ ગોંડલ ચોકડી ખાતે પેસેન્જરોને ઉતારવા ઉભી રહી હતી ત્યારે રીક્ષા ચાલકે બસ આડે રીક્ષા ઉભી રાખી દેતા એસટી ડ્રાઇવરે હોર્ન મારયો હતો. જેથી રીક્ષા ચાલકોએ ગાળો ભાંડી એસટી ડ્રાઇવર અને કંડકટર ઉપર છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા ડ્રાઇવર અને ચાલકને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. જયારે સામા પક્ષે હુમલાખોર શખ્સને પણ ઇજા પહોંચી હોવાનાં આક્ષેપ સાથે સારવાર અર્થે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટનાં મવડી વિસ્તારમા રહેતા અને એસટીમા ફરજ બજાવતા ડ્રાઇવર કિશોરસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ. 43) અને કંડકટર સંદીપસિંહ ગુલાબસિંહ પરમાર (ઉ.વ. 48) ગોંડલથી રાજકોટ રૂટની એસટી બસ લઇને આવતા હતા ત્યારે ગોંડલ ચોકડી પાસે પેસેન્જરોને ઉતારવા બસ ઉભી રાખી હતી. ત્યારે રીક્ષા ચાલકે બસ આગળ રીક્ષા ઉભી રાખી દીધી હતી જેથી એસટી ડ્રાઇવર કિશોરસિંહ જાડેજાએ હોર્ન મારતા રીક્ષા ચાલક સહીત 4 શખ્સોએ ઉશ્કેરાઇ જઇ કિશોરસિંહ જાડેજાને ગાળો ભાંડી હતી. કિશોરસિંહ ગાળો દેવાની ના પાડતા રીક્ષા ચાલકોએ ઉશ્કેરાઇ જઇ કિશોરસિંહ જાડેજા અને કંડકટર સંદીપસિંહ પરમાર પર છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. સંદીપસિંહ બેશુધ હાલતમા ઢળી પડયા હતા જયારે કિશોરસિંહ જાડેજાને ઇજાગ્રસ્ત હાલતમા હુમલાખોરોથી ડરીને ભાગ્યા હતા અને અન્ય રીક્ષામા બેસી વાવડી પોલીસ ચોકી ખાતે પહોંચ્યા હતા જયા ઘટના અંગે પોલીસને જાણ કરી હતી જેને પગલે પોલીસ કિશોરસિંહ જાડેજાને સાથે લઇ તાત્કાલીક ગોંડલ ચોકડી પહોંચી હતી. પરંતુ હુમલાખોર શખ્સો હાજર નહી મળતા પોલીસ દ્વારા ગંભીર રીતે ઘવાયેલા એસટી ડ્રાઇવર અને કંડકટરને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.
જયારે હુમલાખોર સંજય રમેશ વાઘેલા (ઉ.વ. ર9) ને પણ ઇજા પહોંચી હોવાનાં આક્ષેપ સાથે સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો પોલીસે સંજય વાઘેલાની અટકાયત કરી ફરીયાદ નોંધી છે . ફરીયાદનાં આધારે આજીડેમ પોલીસે એસટી ડ્રાઇવર અને કંડકટર પર હુમલો કરનાર શખ્સો વિરુધ્ધ કાનુની કાર્યવાહી હાથ ધરી છે .
એસ.ટી.ના તમામ પીકઅપ પોઇન્ટ પર ખાનગી વાહન ચાલકોની દાદાગીરી: હિતરક્ષક સમિતિ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ ગોંડલ રાજકોટ રૂૂટના ડ્રાઇવર કંડક્ટર પર અજાણ્યા શખ્સોએ છરી, પાઇપ, ધોકા, ધાર્યું થી માથા તથા હાથ પગ અને પીઠ પાછળ મૂંઢ માર મારેલ છે. જે ઘટનાને મુસાફર હિતરક્ષક સમિતિ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અગાઉ ચુનારાવાડ ચોકમાં પણ નજીવી બાબતે વાંકાનેર ડેપોના ડ્રાઇવર પર ચાર થી પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો. રાજકોટ શહેર પોલીસ ની હપ્તાખોરી અને લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓને પગલે શહેરના એસ.ટી ના પીક અપ પોઇન્ટ પર રીક્ષા ચાલકો, ઇકો, ખાનગી વાહનોના ખડકલા જોવા મળે છે જે જાહેરનામનો ભંગ થાય છે એસ.ટી પીક અપ પોઇન્ટ પર થતી ખુલ્લેઆમ દાદાગીરી સામે ધૃતરાષ્ટ્ર નીતિ શા માટે ? એસ.ટી બસ પોર્ટ પર પણ આ જ પરિસ્થિતિ છે બસો અંદર ન આવે તે પ્રકારે રિક્ષાચાલકોની ખુલ્લેઆમ રસ્તા પર અને અંદર દાદાગીરીઓ ચાલુ છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર એક્શનમાં આવે અને એસ.ટીના તમામ પીકઅપ પોઇન્ટ પર ખાનગી વાહન ચાલકોની ખુલ્લેઆમ લુખ્ખાગીરી અને દાદાગીરી અટકાવે અન્યથા આગામી દિવસોમાં મોટી ઘટના બને તો નવાઈ નથી.ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઈ આસવાણી, ગીરીશભાઈ વાણીયા, એસ પી રાજાણી એ સિવિલ હોસ્પિટલ ખાતે ડ્રાઇવર કિશોરસિંહ જાડેજા અને કંડકટર સંદીપસિંહ પરમારના ખબર અંતર પૂછ્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ આપની સાથે છે અને કાંઈ પણ હોય તો અડધી રાતે ફોન કરજો.