તાંત્રિક વિધિ માટે PIના માતા-પિતાની હત્યા કરાયાનો ઘટસ્ફોટ
ખેતરમાં દાટેલું સોનું કાઢવાની લાલચે ભૂવાએ સાળા સાથે મળી પીઆઇના નિદ્રાધીન માતા-પિતાની લોથ ઢાળી ઘરેણાંની લૂંટ ચલાવી
હત્યા કર્યા બાદ બન્ને રાજસ્થાન તરફ ભાગી ગયેલ પણ પોલીસે ઝડપી લીધા
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટરના વૃદ્ધ માતા-પિતાની બે દિવસ પહેલા રાત્રે લૂંટારુઓ દ્વારા નિર્મમ હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. લૂંટારુઓ એટલા ક્રૂર હતાં કે બંનેના ચહેરા પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ચીરી નાખ્યાં હતાં.તેમજ વૃદ્ઘાએ પગમાં ઘરેણાં પહેર્યા હતાં તેથી તે લૂંટવા માટે પગમાંથી બહાર કાઢવાને બદલે તેના પગ જ કાપી નાખ્યા હતા અને ઘરેણાં લઇ ફરાર થઇ ગયા હતા આ સમગ્ર ડબલ મર્ડરની ઘટનામા પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. અને દંપતીની હત્યા તાંત્રીક વિધી માટે થઇ હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. તેમજ હત્યા કરનાર પાડોશમા જ રહેતા ભુવા અને તેમનાં સાળાની ધરપકડ કરી તજવીજ શરૂ કરવામા આવી રહી છે.
વધુ વિગતો મુજબ બનાસકાંઠાનાં લાખણી તાલુકાનાં જસરા ગામે રહેતા સ્ટેટ મોનીટરીંગ સેલનાં પીઆઇ એ. વી. પટેલનાં પિતા વરધાજી અને માતા હોશીબેન પટેલની હત્યાનો ભેદ ઉકેલવામા બનાસકાંઠા પોલીસને ટીમને સફળતા મળી છે . પોલીસે હત્યાનાં ગુનામા પાડોશમા રહેતા સાળા - બનેવીની ધરપકડ કરવામા આવી છે જેમા જસરા ગામે રહેતા સુરેશ શામળાજી ઘેસીયા અને રામપુરાનાં ઉમા ચેલાજી ઠોહને પકડી લઇ તેમની હાલ પુછપરછ કરવામા આવી રહી છે.
આ ઘટનામા પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળ્યુ હતુ કે ભુવાએ ખેડૂત દંપતીને કહ્યું હતું કે તમારા ખેતરમાં સોનુ દટાયેલું છે જે શોધવા માટે વિધિ કરવી પડશે એટલે તમે સોનાના ઘરેણા લઈ આવો એ દરમિયાન ઘરેણાની લુટ ચલાવી બંનેની ઘાતકી હત્યા કરી હોવાનું જાણવા મળી રહયુ છે ઘટના સમયે અજાણ્યા લોકો હત્યા કરીને ફરાર થઇ ગયા હતા પણ હવે ભેદ ઉકેલવામાં આવ્યો છે. હત્યારા હત્યા કરીને રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની પોલીસને શંકા હતી જેથી અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફુટેજ મારફતે બંને શખસોને ઝડપી લેવામા આવ્યા છે આ હત્યાની ઘટનામા પોલીસે તપાસ કરતા બંને લુટારા મહીલાનાં પગ કાપી કડલા લુટી ગયા હતા. અને કાનની બુટી પણ કાપીને લઇ ગયા હતા તેમજ ઘરમા તપાસ કરતા તેજોરી પણ તુટેલી હાલતમા જોવા મળી હતી.
આ ઘટના બાદ એસ.પી. અક્ષયભાઇ મકવાણાનાં માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામા આવી હતી. અને એફએસએલ તેમજ ડોગ સ્કવોડની ટીમ દ્વારા પણ તપાસ કરવામા આવી હતી. પોલીસે ટીમો બનાવીને અલગ અલગ એન્ગલ પર તપાસ કરી હતી. અને છેવટે હત્યાનો ભેદ ઉકેલવામા સફળતા પ્રાપ્ત થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતકનાં પુત્ર સ્ટેટ મોનીટરીંગ સેલમા પીઆઇ તરીકે ફરજ બજાવે છે. જયારે દિકરી શિક્ષીકા હોવાનુ જાણવા મળી રહયુ છે .