સુરત આપના બે કોર્પોરેટર વિરુદ્ધ 10 લાખની લાંચનો નોંધાતો ગુનો
પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કરવાનું જણાવી અને કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી 10 લાખની માગણી કરી હતી
વોઈસ રેકોર્ડિંગ સહિતના પુરાવાઓ એકત્ર કર્યા : બન્નેની ધરપકડ કરી પૂછપરછ કરાઈ
સુરતના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો પર 10 લાખની લાંચ લેવાના આરોપ લાગ્યા હતા.આપના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંછા કાછડીયા અને કોર્પોરેટર વિપુલ વસરામ સુહાગીયા પર 10 લાખની લાંચ લીધાનો આરોપ છે.સુરતમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે આપના બે કોર્પોરેટર સામે એસીબીમાં ફરિયાદ દાખલ કરી છે.બંને કોર્પોરેટરની સાથે એક અધિકારી, કર્મચારી પર પણ આરોપ લાગ્યા હતા.
ફરિયાદની વધુ વિગતો મુજબ,સુરત શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા અને નાગરિકોને સુગમતા મળી રહે તે સારૂૂ સુરત મહાનગરપાલિકાના મગોબ ગામની સીમમાં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવામાં આવી હતી.આ અંગે પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ એ.સી.બી.ના અરજદાર/કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા એસીબીએ બન્ને કોર્પોરેટરોની ધરપકડ કરી હતી.
આ પે એન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યાની બાજુમાં મહાનગરપાલિકા દ્રારા શાકભાજી માર્કેટની જગ્યા પણ ફાળવવામાં આવેલ હતી.સુરત મહાનગરપાલિકાના પુણાના વોર્ડ નં.16 અને 17 ના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંછાભાઇ કાછડીયા અને વિપુલભાઇ વસરામભાઇ સુહાગીયાનાઓએ આ પે એન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યાની મુલાકાત લીધી હતો.જે દરમ્યાન તેઓએ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરેલાનું જણાવી તેઓ સાથે તકરાર કરી હતી.
આ અંગે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રાક્ટ રદ કરાવી દેવાની ધમકી આપેલી હતી.આ અંગે કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદેસર દબાણ કરવા બાબતનું માફીપત્ર લખાવી લીધું હતું અને ત્યારબાદ આ બંન્ને કોર્પોરેટરોએ જો આ કાર્યવાહીથી એટલે કે કોન્ટ્રાક્ટ રદ કરવામાંથી બચવુ હોય તો રૂૂા.11 લાખ આપવા પડશે તેવી માંગણી કરી હતી.આ અંગે બંન્ને કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટર સાથે રૂૂબરૂૂમાં તથા મોબાઇલ ફોન પર લાંચની માંગણી અંગેની વાતચીત કરેલી અને લંબાણપૂર્વકની રકઝકને અંતે રૂૂા.10 લાખ આપવાનું નક્કી થયું હતું. આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્રારા ઓડીયો રેકોર્ડીંગ કરી લેવામાં આવ્યું હતું.આ વાતચીતમાં આરોપીઓ દ્રારા નાણાં શબ્દને બદલે કોર્ડવર્ડ તરીકે સાંકેતિક ભાષામાં ડોક્યુમેન્ટ આપવાના છે તેવો શબ્દ વાપરતા હતા.જે અંગે વાતચીતમાં જ ડોક્યુમેન્ટ એટલે નાણાં એવી સ્પષ્ટતા આરોપીઓ દ્રારા કરવામાં આવી હતી.
આ ઘટના બાદ ફરિયાદીએ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સોંપ્યા હતા.આપના બે કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ મામલે એસીબીના પીઆઈ કલ્પેશ ધડુક ફરિયાદી બન્યા હતા અને બન્ને કોર્પોરેટરોની ધરપકડ કરી વધુ પુરાવા એકત્રિત કરવા કવાયત શરૂ કરવામાં આવી છે.