90 લાખનું સોનું ઓળવી જવાના ગુનામાં આરોપીની રિમાન્ડ અરજી રદ; જામીન મંજૂર
રાજકોટમાં સોની વેપારીનું રૂૂા.90 લાખની કિંમતનું 1100 ગ્રામ ફાઈન સોનું ઓળવી જવાના ગુનામાં ઝડપાયેલા આરોપીની રિમાન્ડ અરજી રદ કરી કોર્ટે જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં સોનીબજારમાં રહેતા અને પી.આર. લેન્ડમાર્ક બિલ્ડીંગના પહેલા માળે રાણપરા ક્રિએશન નામની દુકાન ચલાવતા સોની વેપારી પ્રસન્નભાઈ રમણીકલાલ રાણપરા સોનાના દાગીના બતાવવાનું જોબવર્ક કરાવતાં હતા. સોની વેપારી દ્વારા તપસ હરીવાડ, રાજીવ સપન બેરા અને સોવીક કાશીનાથ મંડલ ઉર્ફે સુબોને છેલ્લા બે વર્ષથી સોનાના દાગીના બનાવવાનું કામ કરાવતાં હતા. વેપારીએ સોનાના દાગીના બનાવવા આપેલ ફાઈન સોનાની આશરે 900 ગ્રામ જેટલી ઘટ પડતા તપસે ઘટ પડેલ સોનુ કટકે કટકે પરત કરી દેવાની ખાત્રી આપી ફરી 400 ગ્રામ સોનુ ગ્રાહકને બતાવવા લઈ ગયો હતો. ત્યાર બાદમાં ફરીયાદી દ્વારા આરોપીનો અનેકવાર સંપર્ક કરતાં સંપર્ક નહિ થતા સોની વેપારીએ રૂૂ.90 લાખ કિંમતનું કુલ 1100 ગ્રામ ફાઈન સોનું ઓળવી ગયાની એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં આરોપી રાજીવ સપન બેરાની અટક કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રિમાન્ડ અરજી કરી હતી. જે રિમાન્ડ અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટ દ્વારા પોલીસે કરેલી આરોપીના રીમાન્ડ માંગતી અરજી નામંજુર કરી આરોપીને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.
આ કેસમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ રાજન કોટેચા, કૃણાલ કોટેચા, વારિસ જુણેજા, ડેનિશાબેન પટેલ, જય વણઝારા, કિરણસિંહ ચુડાસમા અને સહાયક તરીકે ભુષણ બજાજ રોકાયા હતાં.