પોલીસ કેસ કરશો તો ટાંટિયા ભાંગી નાખીશુ દંપતીને સંબંધીની ધમકી
શહેરના રૈયાધાર રાધેશ્યામ ગૌશાળા પાસે પારિવારીક ઝઘડામાં બે પરિવાર વચ્ચે માથાકુટ થઈ હતી અને દંપતિને કૌટુંબીક સંબંધીઓ ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી અને મારમાર્યો હતો. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
વધુ વિગતો મુજબ રૈયાધાર સ્લમ કવાટર્સ જીઈબી પાવર હાઉસની બાજુમાં ઝુંપડામાં રહેતાં લખમણભાઈ જગુભાઈ રાઠોડ નામના આધેડે તેઓના સંબંધી અરજણ ડાયા જહાચીયા, નરેશ અરજણ, કલ્પેશ અરજણ અને સંજય બાબુનું નામ આપતાં તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે લખમણભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ છુટક મજુરી કરે છે. ગઈકાલે તેમની પત્ની અને તેઓ રાધેશ્યામ ગૌશાળા પાસે મામા કલ્યાણભાઈના પુત્રના પુત્ર વિનુભાઈની સગાઈમાં ગયા હતાં ત્યારે તેમના બેન જશીબેન જગુભાઈ રાઠોડ (રહે.નિકોલ અમદાવાદ)ના વેવાઈ પણ ત્યાં આવ્યા હોય ત્યારે અરજણભાઈએ કહ્યું કે તમારી બહેનને ત્યાં મારી દીકરી આપી છે. તમારી બેન અવારનવાર મારી દીકરીને હેરાન પરેશાન કરે છે તમે કંઈ કહેતા નથી જેથી લક્ષ્મણભાઈએ કહ્યું કે તમારા ઘરનો પ્રશ્ર્ન છે અમને શું કયો છો ? તેમ કહેતા આરોપીઓએ બોલાચાલી કરી લક્ષ્મણભાઈને માર માર્યો હતો અને તેમને બચાવવા વચ્ચે પડેલા તેમના પત્નીને પણ ઢીકાપાટુનો માર મારી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી.