પાટણમાંથી કરોડોનું લાલ ચંદન ઝડપાયું, આંધ્રથી ગુજરાત લાવનાર પુષ્પાની શોધખોળ
પાટણમાંથી કરોડોની કિંમતનું રક્તચંદન ઝડપાયું છે. આંદ્રપ્રદેશ પોલીસે સ્થાનિક પાટણ પોલીસની મદદથી આ ઓપરેશન પાર પાડ્યું છે. આંદ્રપ્રદેશથી પાટણ સુધી આ રક્તચંદનનો જથ્થો ઘુસાડનાર પુષ્પાની પોલીસે શોધખોળ શરૂ કરી છે. ગુજરાતમાં આંધ્રપ્રદેશથી રક્ત ચંદન કઈ રીતે પહોંચી ગયું તે તપાસનો વિષય બન્યો છે. ગેરકાયદે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડાયો હતો. આંધ્રપ્રદેશની પોલાીસ બાતમીના આધારે પાટણ પહોંચી હતી. પાટણ પોલીસને સાથે રાખીને હાજીપુરના એક શ્રેય વીલાના ગોડાઉન નંબર 70માં કરોડોના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા. આ મામલે આંદ્રપ્રદેશ પોલીસ અને પાટણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આંદ્રપ્રદેશથી ગુજરાત સુધી આ ચોરાઉ કરોડોની કિંમતનું રક્તચંદન ઘુસાડનાર પુષ્પાની શોધખોળ કરી છે.
હાલમાં જ રીલિઝ થયેલી પાન ઈન્ડિયા ફિલ્મ પુષ્પા-2 ધૂમ મચાવી રહી છે. ફિલ્મ લાલ ચંદનની દાણચોરી પર આધારિત છે. જેમાં ફિલ્મનો હીરા કમ વિલેન પુષ્પરાજ ઉર્ફ પુષ્પા દેશ જ નહીં, વિદેશમાં પણ લાલચંદનની દાણચોરી કરે છે અને પોલીસને પડકાર ફેંકે છે. ત્યારે જ્યાંથી ચંદન ચોરાઈને ગુજરાતમાં ઘૂસાડાયું એ આંધ્રપ્રદેશની પોલીસ જ ગુજરાતમાં આવી હતી અને પાટણ પાસે એક ગોડાઉનમાંથી કરોડોનું રક્તચંદન કબ્જે કર્યું હતું. કરોડોના રક્ત ચંદનની ચોરીના બનાવમાં આંધ્રપ્રદેશ પોલીસ તપાસ કરી રહી હતી. પકડાયેલા આરોપીઓએ પાટણ સુધી ચોરીના ચંદનનું વેચાણ કર્યુ હોવાનું કબૂલ્યું હતું. જેથી આંધ્રપ્રદેશની પોલીસની ટુકડી સવારે પાટણ પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી હાજીપુરના ગોડાઉનમાંથી ચંદનના લાકડાં કબ્જે કર્યા હતા.