રાજકોટમાં પ્લોટ અપાવી દેવાના બહાને રીયલ એસ્ટેટના ધંધાર્થી સાથે 2.65 કરોડની ઠગાઇ
પ્લોટનો દસ્તાવેજ નહીં કરાવી આપી, બોગસ આરટીજીએસની પહોંચ પકડાવી દીધી
અયોધ્યા ચોક પાસે આવેલી રાજ રાધે ફાયનાન્સના મેનેજર અને તેના સાગરીત સામે નોંધાતો ગુનો
રાજકોટમા વધુ એક છેતરપીંડીની ફરીયાદ નોંધવામા આવી છે. અયોધ્યા ચોક પાસે આવેલી રાજ રાધે ફાયનાન્સની માલીકીનો લાતી પ્લોટમા આવેલ પ્લોટ અપાવી દેવાનાં બહાને ફાયનાન્સનાં મેનેજર અને તેનાં મળતીયાએ મળીને રીયલ એસ્ટેટનાં ધંધાર્થી પાસેથી 2.65 કરોડ જેવડી મોટી રકમ મેળવી દસ્તાવેજ નહી કરી આપી છેતરપીંડી કરતા યુનિવર્સીટી પોલીસ મથકમા ગુનો નોંધવામા આવ્યો છે. આ ઘટનામા રાજ રાધે ફાયનાન્સનાં મેનેજર અને તેનાં સાગરીતને સકંજામા લેવા તજવીજ શરુ કરી છે.
વધુ વિગતો મુજબ કોઠારીયા રોડ પર આસોપાલવ સોસાયટી શેરી નં ર મા રહેતા અને જમીન મકાન લે - વેચનાં ધંધા સાથે જોડાયેલા દિનેશભાઇ ઠાકરશીભાઇ કુંજડીયા (પટેલ) (ઉ.વ. 40) એ પોતાની ફરીયાદમા રાજ રાધે ફાયનાન્સનાં મેનેજર જીજ્ઞેશ બાલકૃષ્ણભાઇ શાહ અને તેમનાં મળતીયા દેવલ શાહ વિરુધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. આ ઘટનામા દિનેશભાઇએ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓને કુવાડવા રોડ પર આવેલ લાતી પ્લોટમા આવેલી જમીન વાળી મિલકત ખરીદ કરવી હોય જેથી ગબરુભાઇ મારફતે જીજ્ઞેશભાઇ શાહની ઓફીસ કે જે અયોધ્યા ચોક પાસે ટાઇમ્સ સ્કવેર ઓફીસ નં 1008 મા આવેલી હોય ત્યા ગયા હતા .
ત્યા જીજ્ઞેશભાઇ શાહએ પોતાની ઓળખ લીગલ એડવાઇઝર તરીકે આપી હતી. અને જણાવ્યુ હતુ કે લાતી પ્લોટ વિસ્તાર રેવન્યુ સર્વે નં 119 / 1 અને 119 / 2 ની જમીન રાજ રાધે ફાયનાન્સ મીલકતની માલીકીની છે જેની ઓફીસ હાલ અમદાવાદ ખાતે આવેલી છે . તેમજ આ મીલકત હરાજીમા રૂ. 2.50 કરોડમા મુકેલી છે . આ જમીન ખરીદવા માટે દીનેશભાઇએ તૈયારી બતાવતા જીજ્ઞેશભાઇએ વકીલ તરીકેની ફી 25 લાખ થશે જેવુ જણાવ્યુ હતુ . ત્યારબાદ બીજા દીવસે દિનેશભાઇ અને તેમનાં મિત્ર ગબરુભાઇ તેમજ જીજ્ઞેશભાઇ એમ બધા અમદાવાદમા આવેલ રાજ રાધે ફાયનાન્સની ઓફીસે પહોંચ્યા હતા. અને ત્યા દેવલભાઇ શાહ તેમને મળ્યા હતા. તેમને આ પ્લોટ અંગે વાત કરી હતી. અને આ દેવલભાઇએ જમીનનુ પેમેન્ટ જીજ્ઞેશભાઇ કહે તે રીતે આપી દેવા જણાવ્યુ હતુ.
ત્યારબાદ દેવલભાઇએ દીનેશભાઇને જણાવ્યુ હતુ કે જીજ્ઞેશભાઇ અમારી ફાયનાન્સ પેઢીનાં લીગલ એડવાઇઝર છે. અને તમોને તેઓ ઇ હરાજી ફોર્મ આપશે. આ ઇ હરાજી ફોર્મમા રૂ. 2.50 કરોડની કિંમત અને જે. બી. શાહનો અંગ્રેજીનો સીકકો મારેલો હતો . જેથી દીનેશભાઇને વિશ્ર્વાસ આવી જતા 14-10-22 નાં રોજ તેમનાં પત્નીનાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનાં અકાઉન્ટમાથી આરટીજીએસ મારફતે અલગ અલગ સમયે કુલ રૂ. 1.91 કરોડ ચુકવ્યા હતા. અને આરોપીઓએ દસ્તાવેજ થવામા એક મહીનો થઇ જશે. તેવુ જણાવ્યુ હતુ.
ત્યારબાદ દસ્તાવેજ માટે કોઇ ફોન ન આવતા મીત્ર ગબરુભાઇ સાથે દેવલભાઇ સાથે વાત કરી હતી આ સમયે દેવલભાઇએ કહયુ હતુ કે તમે રકમ પુરી આપો. તેથી અમે દસ્તાવેજ કરી આપીશુ. ત્યારબાદ દેવલભાઇ શાહને દીનેશભાઇએ કહયુ હતુ કે તમારા લીગલ એડવાઇઝર જે. બી. શાહને પુરે પુરી રકમ ચુકવી દીધી છે. જેથી દેવલ શાહએ કહયુ હતુ કે જીજ્ઞેશભાઇ શાહ અમારા લીગલ એડવાઇઝર નથી. તમારી કોઇ રકમ ફાયનાન્સમા જમા થઇ નથી. અને વિશેષમા એ પણ કહયુ હતુ કે લાતી પ્લોટ વિસ્તારની જમીન 2.50 કરોડ નહી પરંતુ 3 કરોડમા આપવાની છે. જેથી છેતરપીંડી થયાનુ માલુમ પડયુ હતુ.
જીજ્ઞેશભાઇને રૂબરૂ મળતા તેઓએ જણાવ્યુ હતુ કે તમારા પૈસા ફાયનાન્સ વાળા લોકો ખાઇ ગયા છે. તમારા પૈસા હુ પરત આપી દઇશ. તેમ વાત કરતા થોડા દિવસ પછી દીનેશભાઇને તેમનાં ફોન પર જીજ્ઞેશભાઇએ 1.05 કરોડ તમારા ખાતામા ટ્રાન્સફર કરેલ છે તેવો આરટીજીએસ વાળો મેસેજ મોકલ્યો હતો . જો કે દીનેશભાઇએ બેંક પર પહોંચી તપાસ કરતા આરટીજીએસનો મેસેજ અને તેને જીજ્ઞેશભાઇએ આપેલી આરટીજીએસની પહોંચ ખોટી અને બનાવટી હોવાનુ જાણવા મળતા અંતે રાજ રાધે ફાયનાન્સનાં મેનેજર જીજ્ઞેશ શાહ અને તેમનાં મળતીયા દેવલ શાહ વિરુધ્ધ છેતરપીંડી અંગેની ફરીયાદ નોંધાવી હતી.