દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાની અધૂરા માસે પ્રસુતિ, બાળકનું મોત
શાપર-વેરાવળમાં રહેતી પરપ્રાંતિય સગીરાને નવરાત્રિમાં પેટમાં દુ:ખાવો ઉપડતા તપાસ કરાવતા પાંચ માસનો ગર્ભ હોવાનું ખૂલ્યું’તું
શહેરની ભાગોળે શાપર-વેરાવળમાં પેટીયુ રળવા આવેલા પરપ્રાંતિય પરિવારની 15 વર્ષિય સગીરા દુષ્કર્મનો ભોગ બની હતી. નવરાત્રિ દરમિયાન પેટમાં દુખાવો ઉપડતા પરિવાર હોસ્પિટલે લઇ જતા તેને પાંચ માસનો ગર્ભ હોવાનુ ખુલવા પામ્યુ હતું. દરમિયાન દુષ્કર્મ પીડિત સગીરાએ અધૂરા માસે જન્મ આપતા બાળકનું મોત નીપજ્યુ હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 15 વર્ષિય પુત્રી સર્ગભા હોય ગત તા.27/10ના સગીરાને પ્રસુતિનો દુખાવો ઉપડતા તેણીને સારવાર માટે જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયા ગત રાત્રે સગીરાની અધૂરા માસે પ્રસુતિ થતા બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ અધૂરા માસે જન્મેલા બાળકનું તુરંત જ મુત્યુ નીપજ્યુ હતું. આ અંગે શાપર-વેરાવળ પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી
.
પ્રાથમિક તપાસમાં સગીરા છ મહિના પહેલા તેના દાદાનુ અવસાન થતા વતનમાં ગઇ હતી. જયાથી પરત આવ્યા બાદ નવરાત્રિ દરમિયાન તેને પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો હોસ્પિટલે લઇ ગયા હતા. જયા તપાસ કરતા તેને પાંચ મહિનાનો ગર્ભ હોવાનું ખુલવા પામ્યુ હતું. જેથી પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી. બાદમાં તેના માતા-પિતાએ પુત્રી સગીરા હોવાથી ગર્ભ પડાવવા માટે હાઇકોર્ટમાં અરજી પણ કરી હતી. દરમિયાન અધૂરા માસે પ્રસુતિ થતા બાળકને જન્મ આપતા બાળકનું મોત નીપજ્યુ હતું.