રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજમોતી ઓઇલ મિલવાળા સમીર શાહ સહિત 3ને આજીવન કેદ

03:39 PM Jan 30, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મેનેજરને માર મારી મોતને ઘાટ ઉતારવાના હાઇપ્રોફાઇલ કેસમાં જમાદાર યોગેશ ભટ્ટ અને સિકયુરિટી હેડ ક્રિપાલસિંહ ચુડાસમાને પણ જન્મટીપ, 8 વર્ષ જૂના કેસમાં અન્ય સાતને શંકાનો લાભ

Advertisement

રાજકોટમાં વર્ષ 2016 માં ભારે ખળભળાટ મચાવનાર રાજમોતી ઓઇલ મીલના અમદાવાદ બ્રાન્ચના મેનેજર દિનેશ દક્ષિણીને મીલ સાથે ઉચાપતના કેસમાં બેડીપરા પોલીસ ચોકીમાં ઢોરમાર મારી હત્યા કરવાના કેસમાં રાજમોતી ઓઇલ મીલના માલિક અને સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસો., ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ્સ એન્ડ ઓઇલ સિડસ એસો. સહિતની વ્યાપારી સંસ્થાઓ સાથે વર્ષોથી જોડાયેલા સમીર શાહ ઉપરાંત પોલીસ જમાદાર યોગેશ ભટ્ટ અને સમીર શાહના સિકયુરિટી હેડ ક્રિપાલસિંહ ચુડાસમાને રાજકોટના એડિશનલ ડિસ્ટ્રીકટ જ એસ. વી. શર્માએ આજીવન કેદની સજા ફટકારતા વેપારી મહાજનોમાં સન્નાટો ફેલાઇ ગયો છે.

રાજમોતી ઓઇલ મીલ સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાના આરોપસર તેના અમદાવાદના બ્રાંચ મેનેજર દિનેશ દક્ષિણીનું અમદાવાદથી અપહરણ કરી રાજકોટમાં તેની હત્યા કરી નાખતા આ કેસમાં અન્ય સાત આરોપીને શંકાનો લાભ આપી કોર્ટે છોડી મુકવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં ભાવનગર રોડ પર આવેલી રાજમોતી ઓઈલમીલની અમદાવાદ સ્થિત બ્રાન્ચ મેનેજર દિનેશ મગનભાઈ દક્ષિણિએ વર્ષ 2016માં રાજમોતી ઈન્ડસ્ટ્રીઝ સાથે લાખો રૂપિયાની ઉચાપત કરી હતી. જે મુદ્દે ઈન્ડસ્ટ્રીઝના માલીક સમીર મધુકાંત શાહ અને તેના ભાગીદાર શ્યામ શાહે રાજકોટ બ્રાંચના મેનેજર સમીર ઈશ્ર્વરલાલ ગાંધી અને ડ્રાઈવર ક્રિપાલસિંહ ચુડાસમાને તા. 28-2-2016ના રોજ અમદાવાદ કાલુપુર ઓફિસે દિનેશ દક્ષિણીને મળવા માટે મોકલ્યા હતાં. જ્યાં દિનેશ દક્ષિણી હાજર નહીં મળતા તેના પાલડી સ્થિત ઘરેથી કાલુપુર ઓફિસે લઈ ગયા હતાં. જ્યાંથી ઈન્ડસ્ટ્રીઝના માલીકના કહેવાથી દિનેશ દક્ષિણીને કારમાં બેસાડી રાજકોટ રાજમોતી ઈન્ડસ્ટ્રીની ઓફિસે લાવવામાં આવ્યો હતો. જ્યાં પૈસાની પુછપરછમાં દિનેશ દક્ષિણીએ સરખો જવાબ નહીં આપતા બેસબોલના ધોકાથી માર માર્યો હતો. તેમ છતાં યોગ્ય પ્રત્યુતર નહીં આપતા રાજમોતી મીલના ભાગીદાર બંધુના કહેવાથી તા. 1/3/2016ના રોજ મૃતક દિનેશ દક્ષિણીને બેડીપરા પોલીસ ચોકી ખાતે એએસઆઈ યોગેશ ભટ્ટ પાસેલઈ જવામાં આવ્યો હતો.

જ્યાં નાણા કઢાવવા દિનેશ દક્ષિણીને વોર્ડન કર્તિક દ્વારા પકડી રાખવામાં આવ્યો હતો અને એએસઆઈ યોગેશ ભટ્ટે લાકડી વડે માર માર્યો હતો. પોલીસના મારથી ગંભીર રીતે ઘવાયેલા દિનેશ દક્ષિણીને રાજમોતી મીલના છોટાહાથી મારફતે સારવાર માટે સિવિલહોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા દિનેશ દક્ષિણીનું મોત નિપજતા તેના ડીસા ખાતે રહેતા સાળા અશોક કેવલમભાઈ ઠક્કરે બીડીવીઝન પોલીસ મથકમાં રાજમોતી મીલના ભાગીદાર સમીર મધુકાંતભાઈ શાહ, એએસઆઈ યોગેશ રમણલાલ ભટ્ટ પી.એસ.આઈ. મારૂ રાજકોટ મીલના મેનેજર સમીર ઈશ્ર્વરલાલ ગાંધી, સમિર શાહના ડ્રાઈવર ક્રિપાલસિંહ ચૂડાસમા, કર્મચારી સંદિપ કુમાર કિર્તિકુમાર શાંતિલાલ ગાંધી, ધર્મેન્દ્ર રમણલાલ પટેલ, ત્રિથેશ કાંતિભાઈ ગજ્જર, વિજય કુમાર દેવસીભાઈ સિંધવ અને કૈલાશ ઉષાજી મારવાડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ચકચારી કેસમાં તપાસ અધિકારી દ્વારા અલગ અલગ આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં અલગ અલગ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યા હતાં. જે કેસમાં સંડોવાયેલા રાજકોટ બ્રાંચના મેનેજર સમીરગાંધીએ ઘટનાના તાજના સાક્ષી બનવા કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી મંજુર થતાં સમીર ગાંધીએ કોર્ટમાં જુબાની આપતા દિનેશ દક્ષિણી હત્યા કેસમાં સજ્જડ પુરાવા મળ્યા હતાં.

જે કેસ રાજકોટ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા ફરિયાદી અને સરકાર પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ, ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદા, ફરિયાદી, મૃતકની પત્ની, મેડીકલ પેપર્સ અને તપાસ અધિકારીની લેવામાં આવેલી જુબાનીને ધ્યાને લઈ એડીશનલ શેસન્સ જજ વીએસ શર્માએ ચકચારી રાજમોતી મીલના અમદાવાદ બ્રાંચના મેનેજર દિનેશ દક્ષિણી હત્યા કેસમાં રાજમોતી ઓઈલ મીલના સમીર શાહ એએસઆઈ યોગેશ ભટ્ટ અને ડ્રાઈવર ક્રિપાલસિંહ ચુડાસમાને તક્સીરવાન ઠેરવી આજીવન કેદની સજા તેમજ રાજકોટ મીલના મેનેજર અને ઘટનાના તાજના સાક્ષી સમીર ગાંધી, કર્મચારી સંદીપ કુમાર ગાંધી, કિર્તિકુમાર ગાંધી, ધર્મેન્દ્ર પટેલ, ત્રિથેશ ગુજ્જર, વિજય કુમાર સિંધવ અને કૈલાશ મારવાડીને શંકાન લાભ આપી મુક્ત કરતો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે રાજકોટના ખ્યાતનામ એડવોકેટ લલીતસિંહ જે શાહી, ભુવનેશ શાહી કૃણાલ શાહી, ચંદ્રકાંત દક્ષિણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, હિતેશ ગોહેલ, મનીષ ગુરુંગ, નિશાંત જોશી, તેમજ સ્પેશિયલ પીપી તરીકે અમદાવાદના ચેતન શાહ અને હિરેન પટેલ રોકાયા હતાં.

શ્યામ શાહને આરોપી તરીકે જોડવાની અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ
રાજમોતી મીલના અમદાવાદ સ્થિત બ્રાંચના મેનેજર દિનેશ દક્ષિણીના ચકચારી હત્યા કેસમાં રાજમોતી મીલ રાજકોટ બ્રાંચના મેનેજર સમીર ગાંધીએ તાજના સાક્ષી બનવા કોર્ટમાં કરેલી અરજી મંજુર થતાં સમીર ગાંધીએ કોર્ટ સમક્ષ ઘટનાની જુબાની આપી હતી. જેમાં રાજમોતી મીલના માલીક સમીર શાહના ભાઈ અને ભાગીદાર શ્યામ શાહનું નામ પણ ખુલતા મૃતક દિનેશ દક્ષિણીના ફરિયાદી સાળા અશોક ઠક્કરે ચકચારી હત્યાકેસમાં શ્યામ શાહને જોડવા રાજકોટ સેશન્સ કોર્ટમાં કરેલી અરજી નામંજુર થતાં ફરિયાદી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં શ્યામ શાહને આરોપી તરીકે જોડવા અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજી સુનાવણી પર આવે તે પૂર્વે રાજકોટ કોર્ટે સમીર શાહ, યોગેશ ભટ્ટ અને ક્રિપાલસિંહ ચૂડાસમાને તક્સીરવાન ઠેરવી દીધા છે. શ્યામ શાહને આરોપી તરીકે જોડવાની અરજી હાલ હાઈકોર્ટમાં પેન્ડીંગ છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newsRajmoti Oil Mill owner Sameer Shah
Advertisement
Advertisement