રાજકોટના ભેજાબાજનું દુબઇથી ચાલતું 335 કરોડનું રેકેટ ઝડપાયું
લોકોને સ્કિમમાં રોકાણ કરાવી મહિને 7થી 11 ટકા પ્રોફિટ આપવાના સપના બતાવી છેતરપિંડી કરાતી
રાજકોટના પિતા-પુત્ર દુબઇમા બેસી રેકેટ ચાલવતા, 100 કરોડના બેનામી ટ્રાન્ઝેકશન મળ્યા
શિતલપાર્ક પાસે આવેલી ઓફિસમાં દરોડા પાડી જમીન, ત્રણ ફેલટના દસ્તાવેજ અને 37 લાખ જેટલી રોકડ મળી
સુરતના ઉત્રાણ વીઆઇપી સર્કલ પાસે પ્રગતિ આઇટી પાર્કમાં સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટની ઓફિસમાં કરન્સી ટ્રેડીંગના નામે શેરબજાર, ફોરેક્ષ સહિત મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમમાં રોકાણ કરાવી મહિને 7થી 11 ટકા પ્રોફિટ આપવાના સપના બતાવી ઓનલાઇન ચીટીંગ કરતી ટોળકીનું 335 કરોડનું રેકેટ પકડાયું છે. દુબઈથી મુખ્ય સૂત્રધાર દિપેન ધાનક અને તેના પિતા તેમજ ભાઈ આ રેકેટ ઓપરેટ કરતા હતા. સાયબર ક્રાઇમે દિપેનના ભાઈ ડેનિશ ધાનકને રાજકોટથી દબોચી લીધો છે. જ્યારે પેવીયો સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલક જ્યસુખ પટોળીયા અને ડિરેકટર યશ પટોળીયાને સરથાણામાંથી પકડી પાડયા છે. ત્રણેય આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
સૂત્રધાર દિપેન ધાનક અને તેના પિતા તેમજ ભાઈએ 10થી વધુ પ્રાઇવેટ કંપનીઓ બનાવેલી છે. ઓફિસમાં રોકાણકારો આવે તો તેઓને આઈવી ટ્રેડર્સ કંપનીમાં પ્લાન વિશે માહિતી આપી છીએ,જેમાં એક્સપ્રેસ પ્રો પ્લાનમાં ઓછામાં ઓછું 1 લાખ રોકાણ કરવાનું હોય છે.તેમાં કંપની દર મહિને 7 ટકા પ્રોફીટ, જ્યારે એક્સપ્રેસ ડાયમંડ પ્લાનમાં 9 હજારનું ઓછામાં ઓછું રોકાણ અને દર મહિને 11 ટકા લેખે 18 મહિનામાં મુદ્લ સાથે રીટર્ન આપવામાં આવે છે.
ઉત્રાણની ઓફિસમાં સાયબર ક્રાઇમે રેડ કરી ત્યારે અલ્પેશ, ઝરીત અને વિશાલ મળ્યા હતા. ત્રણેયના લેપટોપમાંથી બેંક ખાતાની તપાસ કરાતા કરોડોના બેનામી ટ્રાન્જેકશનો મળ્યા હતા. રેલો આવતા ત્રણેય ગાયબ થઈ ગયા હતા. હાલમાં સાયબર ક્રાઇમે ઉત્રાણ અને રાજકોટની ઓફિસમાંથી લેપટોપ-5, ટેબલેટ-3, ડાયરી-8, ડેબિટ કાર્ડ-3, ચેકબુક અને રોકડ 39.87 લાખ કબજે કરી છે.
આરોપીઓના 14 બેંક ખાતામાંથી 235.41 કરોડના ટ્રાન્જેકશનો ઉપરાંત 100 કરોડથી વધુના વ્યવહારો મોટા વરાછા અને સરથાણાના પી.એમ આંગડિયા મારફતે થયેલા હોવાની હકીકતો મળી છે. રાજકોટ ખાતે 150 ફૂટરિંગ રોડ પર શીતલપાર્ક ચોક ધ સ્પાયર 2 બિલ્ડિંગમાં આવેલી 1123 નંબરની ઓફિસમાં રેડ કરતા સાયબર ક્રાઇમના સ્ટાફને જમીન, 3 ફલેટો અને ઓફિસના વેચાણ દસ્તાવેજો મળી આવ્યા હતા. સૂત્રધાર દિપેનનું રાશનકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ નંબર સહિતની વિગતો મળી હતી. ઉપરાંત દિપેશનું યુએઈનું બર્થ સર્ટિફિકેટ મળી આવ્યું હતું. યુએઈનું બર્થ સર્ટિફિકેટ પણ બોગસ હોવાની આશંકા લાગી રહી છે.
શેરબજાર, ફોરેક્ષ અને મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમમાં રોકાણ કરનાર ગ્રાહકોને કમિશન તો મળતું સાથે તેની બીજા ગ્રાહકો બનાવવાની પણ લાલચ અપાતી હતી. જો કોઈ ગ્રાહક 25,000 ડોલરનું રોકાણ કરે તો તેને બ્રોન્ઝ રેંક, 50,000 ડોલરે સિલ્વર, 1 લાખ ડોલરે ગોલ્ડ અને 2.5 લાખ ડોલરના રોકાણ પર પ્લેટિનમ રેંક આપવામાં આવતો હતો.
12 રાજ્યના લોકો સાથે ઠગાઈ
નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટીંગ પોર્ટલ પર તપાસ કરતા ટોળકીનો ભોગ બનેલા 26 લોકોએ અલગ અલગ 12 રાજ્યોમાં 17.22 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર-, યુપી , કેરલા સહિત 17 ફરિયાદોમાં 11 કરોડની ઓનલાઇન ચીટિંગ થયેલી છે. તપાસમાં વધુ લોકોની ફરિયાદ નોંધાઈ શકે છે.
સૂત્રધાર ડેનિશનો ઠગાઇનો ફેમિલિ બિઝનેસ!
ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે, મુખ્ય આરોપી ડેનિશ તેના પિતા નવીનભાઈ અને ભાઈ દીપેન નવીનચંદ્ર ધાનક સાથે મળીને આ ધંધો ચલાવતો હતો. હાલમાં અલ્પેશ લાલજીભાઈ વઘાસિયા, દીપેન નવીનચંદ્ર ધાનક, નવીનચંદ્ર દયાલાલ ધાનક, ઝરીત હિતેશભાઈ ગોસ્વામી, સૌરવ જયેશભાઈ સાવલિયા, હરીશ મકવાણા, વિપુલકુમાર કાંતિભાઈ સાવલિયા, તરુણભાઈ, વિશાલ ગૌરાંગભાઈ દેસાઈ, બંટી પરમાર અને મયૂર સોજીત્રા જેવા અન્ય આરોપીઓ ફરાર છે. જયસુખ પટોળિયા અને યશ રામજીભાઈ પટોળિયા ડમી એકાઉન્ટ ખોલાવીને લોકો પાસેથી કરોડો રૂૂપિયા મેળવતા હતા.
આ કેસના વોન્ટેડ આરોપીઓના નામો
દિપેન નવીનચંદ્ર ધાનક (રાજકોટ)(હાલ-દુબઈ)
નવીનચંદ્ર દયાલાલ ધાનક(હાલ-દુબઈ)
સૌરવ જયેશ સાવલીયા (સરથાણા)
વિપુલ કાંતિ સાવલીયા (હીરાબાગ,વરાછા)
વિશાલ ગૌરાંગ દેસાઈ રાંદેર)
અલ્પેશ લાલજી વઘાસીયા (વેલંજા)
ઝરીત હિતેશ ગૌસ્વામી (સીમાડાનાકા)
હરીશ મકવાણા(હાલ-દુબઈ)
તરૂણ(હાલ-દુબઈ)
બંટી પરમાર(હાલ-દુબઈ)
મયુર સોજીત્રા(હાલ-દુબઈ)