રાજકોટના યુવકને મિત્રોએ ઉના લઇ જઇ ખંડણી માગી બેરહેમીથી માર માર્યો
હુમલામાં ધવાયેલા યુવાનને સારવાર માટે ખસેડાયો; પોલીસ તપાસનો ધમધમાટ
ગુજરાત મિરર, રાજકોટ તા.4 રાજકોટમાં દૂધસાગર રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા યુવકને મિત્રો ફરવાના બહાને ઉના લઈ ગયા બાદ રૂૂ.50 હજારની ખંડણી માંગી હતી પરંતુ યુવાને આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી રૂૂપિયા આપી શકે તેમ નહિ હોવાનું કહેતા મિત્રોએ ઢોર માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં દૂધસાગર રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતો સલીમ ગફારભાઈ ઠેબા નામનો 24 વર્ષનો યુવાન ગત તા.1-1-2025 ના રોજ રાત્રીના બે વાગ્યાના અરસામાં ઉના બસ સ્ટેશનમાં હતો ત્યારે શાહરૂૂખ અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ પટા વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ઉના પોલીસને જાણ કરતા ઉના પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં સ્લીમ ઠેબાની માતાએ જણાવ્યું હતું કે સલીમ એકની એક બહેનનો એકનો એક ભાઈ અને અપરિણીત છે. સલીમ ઠેબાને તેના મિત્રો ફરવાના બહાને લઈ ગયા હતા. અને ઉનામાં આવેલા બસ સ્ટેશનમાં સલીમ ઠેબાના મિત્રોએ દારૂૂ પી નશાની હાલતમાં તારી માતા પાસેથી રૂૂ.50,000 અને રૂૂપિયા એક લાખ મંગાવ તેમ કહી ખંડણી માંગી હતી તેથી સલીમ ઠેબાએ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી રૂૂપિયા આપી શકે તેમ નહીં હોવાનું કહેતા મિત્રોએ સલીમ ઠેબાને માર માર્યો હોવાનો તેની માતાએ આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.