રાજકોટના શેરબ્રોકરનું અમદાવાદમાં ફાયરિંગથી ભેદી મોત
બોપલના કબીર એન્કલેવમાં બે શખ્સો મળવા આવ્યા બાદ માથામાં ગોળી ધરબેલી હાલતમાં મોત, હથિયાર મળ્યું નહીં પણ સ્યુસાઈડ નોટ મળતાં પોલીસ ધંધે લાગી
રાજકોટના મવડી પ્લોટના રહેવાસી અને હાલ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા શેરબ્રોકર કલ્પેશ ટુંડિયાનું શંકાસ્પદ ફાયરિંગની ઘટનામાં ગોળી વાગતાં મોત નીપજ્યું હતું આ મામલે પોલીસે તપાસ શરુ કરી છે. આ ઘટના આપઘાતની છે કે હત્યાની તે મામલે તપાસ શરૂૂ કરી છે. ફાયરિંગનો બનાવ બન્યો એ પહેલા કલ્પેશ ટુંડિયાના ઘર પર બે લોકો મળવા માટે આવ્યા હતા. તેઓ સાથે મુલાકાત કર્યા બાદ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગના બનાવ બાદ પોલીસને હથિયાર ન મળતાં આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈ રહસ્ય ઘેરાયું છે. બોપલ પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ અમદાવાદના બોપલ વિસ્તારમાં ગઈ રાત્રિએ ફાયરિંગનો બનાવ બન્યો છે. બે રાઉન્ડ ફાયરિંગ થતાં કબીર એન્કલેવમાં રહેતા કલ્પેશ ટુંડિયા નામના યુવકના માથાના ભાગે ગોળી વાગતાં લોહીલુહાણ હાલતમાં વકીલ સાહેબ બ્રિજ નજીક આવેલી સરસ્વતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.. રાજકોટના મવડી પ્લોટ પાસે સ્વામિનારાયણ ગુરુકુળ નજીક મકાન ધરાવતા મૃતક કલ્પેશ ટુંડિયાના મોતને લઈ પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે, મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળતાં પોલીસે આ દિશામાં પણ તપાસ શરુ કરી છે. બનાવની પ્રાથમિક તપાસમાં પૈસાની લેતીદેતી કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવ પૂર્વે શેર બ્રોકર કલ્પેશ ટુંડિયાને રાત્રિના સમયે બે લોકો મળવા માટે આવ્યા હતા. ત્યાર બાદ તેઓ મળીને નીચે ઊતર્યા હતા.
થોડીવારમાં કલ્પેશ ટુંડિયા ઉપર ગયા હતા અને ફાયરિંગનો અવાજ આવતાં દીકરી અને જે બે લોકો મળવા આવ્યા હતા તેઓ ઉપર ગયા હતા. ત્યારે કલ્પેશ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. પોલીસને હજી સુધી હથિયાર મળ્યું નથી. આ બનાવમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે જે બે લોકો મુલાકાત માટે આવ્યા હતા તે કોણ ? હતા તે મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે. મૃતક કલ્પેશના જમણી બાજુના લમણે ગોળી વાગેલી છે. આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો? એને લઈ રહસ્ય ઘેરાયું છે. જે હથિયારમાંથી ફાયરિંગ કરાયું છે એ પણ ઘટનાસ્થળેથી ન મળતાં તર્કવિતર્ક સર્જાયા છે. બોપલ પોલીસે આ મામલે એફએસએલની મદદ લીધી છે.