રાજકોટની સગીરાની હત્યાનો ખૂખાંર આરોપી ભદો જેલમાંથી ફરાર
17 વર્ષ પૂર્વે દાતારના જંગલમાં સગીરાની હત્યા કરી તેની બહેનપણી સાથે આરોપીએ દુષ્કર્મ ગુજાર્યુ હતું
આરોપી છેલ્લા પાંચ વર્ષથી ભુજની પાલારા જેલમાં હતો બંધ: આ ઘટનામાં કોળી સમાજે સૌરાષ્ટ્ર બંધનું એલાન કર્યું હતું
બંન્ને આરોપીને ગંભીર બીમારી હોય ફાંસીની સજાને આજીવન કેદમાં પરિવર્તિત કરી હતી
રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર જુનાગઢમાં 2007ના ચાંદની હત્યા કેસમાં શહેરની ખાસ ગણાતી પાલારા જેલમાં છેલ્લા સાડા પાંચ વર્ષથી સજા ભોગવી રહેલો પાકા કામનો કેદી ફરાર થઇ ગયો છે. આરોપી હાઈકોર્ટના હુકમથી સાત દિવસના વચગાળાના જામીન પર મુક્ત થયો હતો જે બાદ પરત હાજર ન થતા તેને શોધવા પોલીસ વિભાગ દોડતું થયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ જુનાગઢના બીલખા રોડ પર રહેતો આરોપી મહેશ ઉર્ફે ભદો મુળજી ચૌહાણ ભુજની પાલારા જેલમાં છેલ્લા સાડા પાંચ વર્ષથી હત્યા અને બળાત્કારના ગુનાની સજા ભોગવતો હતો.
આરોપી મહેશે સહ આરોપી મોહન હમીર ગોહેલ સાથે મળી વર્ષ 2007 માં જુનાગઢની ઉપલા દાતારના જંગલમાં બનાવને અંજામ આપ્યો હતો.
રાજકોટની 15 વર્ષીય ચાંદની અને તેની બહેનપણીને જંગલમાં લઇ જઈ ચાંદનીની હત્યા નીપજાવી તેની બહેનપણી પર બળાત્કાર કર્યો હતો. જે ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા હતા. જે ગુનામાં પાકા કામના કેદી તરીકે રહેલો આરોપી મહેશ હાઈકોર્ટના હુકમથી સાત દિવસના વચગાળાના જામીન પર છુટ્યો હતો. 26 નવેમ્બરના પાલારા જેલમાંથી નીકળ્યા બાદ આરોપીને 4 ડીસેમ્બરના પાલારા જેલમાં પરત હાજર થવાનું હતું. પરંતુ આરોપી જેલમાં હાજર ન થઇ ફરાર થઇ ગયો હતો. જેથી પાલારાના જેલર ગ્રુપ-2 ના એ.જી.વ્યાસે આ મામલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે પ્રિઝન એક્ટ તળે ગુનો નોધાવ્યો છે.આરોપીને ઝડપી લેવા જુનાગઢ એ ડીવીઝન પોલીસ મથકે પણ જાણ કરવામાં આવી છે.
જૂનાગઢમાં ગ્રોફેડ નજીક રેલ્વે લાઇન પાસે રહેતો મોહન હમીર ગોહેલ ચાંદની મર્ડર કેસનો મુખ્ય આરોપી છે. તેણે અગાઉ પણ દુષ્કર્મ આચરી હત્યા કરવાના 4 ગુના આચર્યા હતા. પણ ચારેયમાં તે કાં તો નિર્દોષ છૂટ્યો અથવા જામીન પર છૂટી ગયો હતો. ચાંદનીની હત્યા તેણે ગળું કાપીને કરી નાંખી હતી. બાદમાં તેણે તેની બહેનપણી પર પાશવી રીતે દુષ્કર્મ આચર્યું હતું.
એ સગીરા એટલી બધી ગભરાઇ ગઇ હતી કે, જ્યાં સુધી મોહન હમીર અને મહેશ ઉર્ફે ભદો પકડાયા નહીં ત્યાં સુધી 24 કલાક હથિયારધારી પોલીસનું રક્ષણ આપવું પડ્યું હતું. પોલીસે તેના ઘરની બહારજ તંબુ તાણીને ચોકી પહેરો ગોઠવ્યો હતો.
જૂનાગઢના દાતાર પર પરિવાર સાથે તા. 13 મે 2007 ના રોજ ગયેલી બે બહેનપણીઓ પૈકી રાજકોટની ચાંદનીની મોહન હમીર ગોહેલ અને મહેશ ઉર્ફે ભદો મૂળજી ચૌહાણે હત્યા કરી નાંખી હતી અને તેની બહેનપણી પર પાશવી દુષ્કર્મ આચર્યું હતું. બંને લાંબા સમય સુધી ફરાર રહ્યા બાદ પકડાયા હતા. મોહન હમીરને શોધવા માટે પોલીસે અનેક ટુકડીઓ બનાવી હતી.
અંતે તે મુંબઇથી ઝડપાયો હતો. તેને પકડવા માટે પોલીસ પર દબાણ લાવવા માટે કોળી સમાજે સમગ્ર સૌરાષ્ટ્રમાં બંધનું એલાન આપ્યું હતું. તમામ લોકોએ તેમાં સંપૂર્ણ સાથ આપી સજ્જડ બંધ પાળ્યો હતો. આ બનાવમાં બંનેને ફાંસીની સજા થઇ હતી.
જોકે, બાદમાં એચઆઇવી પોઝિટીવ હોવાના બહાના હેઠળ બંનેની ફાંસીની સજાને આજીવન કેદમાં પરિવર્તિત કરાઇ હતી.
કચ્છ રહેતી પત્નીને કોલ કરતા આરોપી મુંબઇ હોવાની જાણ થઇ’તી
13 મે 2007ના રોજ જૂનાગઢમાં આવેલા દાતારમાં 15 વર્ષની માસૂમ ચાંદની અને તેની 18 વર્ષીય સહેલી પર બળાત્કાર ગુજારી, ચાંદનીની હત્યા કર્યા બાદ મોહન હમીર ગોહેલ મુંબઈ ભાગી ગયો હતો. પોલીસને બે વર્ષ સુધી તે કયાં છે તેની ગંધ ન હતી. આખરે પુત્ર પ્રેમમાં પાગલ મોહને કચ્છમાં રહેતી પૂર્વ પત્નીને ફોન કરી 7 વર્ષના પુત્ર સાથે વાત કરી હતી. પોલીસે તુરત જ તેનો નંબર લોકેટ કરી મુંબઈ પહોંચી ગઈ હતી અને બોરીવલ્લી સ્ટેશન પર કાગળ વીણનાર બનીને રહેતા મોહન હમીરને પકડી લીધો હતો.
107 સાક્ષી અને 260 પુરાવા રજૂ થયા હતા
આ કેસની કાર્યવાહી દરમ્યાન 107 સાક્ષીઓને કોર્ટે તપાસ્યા હતા. અને 260 જેટલા વિવિધ પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ થયા હતા. એમ સરકારી વકીલે જણાવ્યું હતું. પુરાવાઓમાં વીર્યનાં નમુના, લોહીનાં નમુના, આરોપી અને બળાત્કારનો ભોગ બનનારનાં કપડાં, વગેરેનો સમાવેશ થાય છે.