લોધિકાના રાવકીમાંથી પિસ્તોલ સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો
રાજકોટ જિલ્લાના રાવકી જીઆઇડીસી વિસ્તારમાંથી પિસ્ટલ અને એક જીવતા કાર્ટિસ સાથે રાજકોટના શખ્સને જિલ્લા એસઓજીની ટીમે પકડી લઇ તેની પૂછતાછ કરતાં વધુ એક રાજકોટના શખ્સનું નામ ખૂલતાં પોલીસે વધુ પૂછતાછ કરવા તેમજ અન્ય એક આરોપીને પકડી લેવા કાર્યવાહી કરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લોધિકા પાસેના રાવકી જીઆઇડીસી વિસ્તારમાં એક શખ્સ હથિયાર સાથે આવ્યો હોવાની માહિતીને આધારે જિલ્લા એસઓજીના શિવરાજભાઇ સહિતના સ્ટાફે રાવકી જીઆઇડીસી પાસેના ઉન્નતિ ઇન્ડસ્ટ્રીઝના ગેટ પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા શખ્સને અટકાવી તેની પૂછતાછ કરતાં તે રાજકોટના ચંદ્રેશનગર રોડ પર અલ્કા સોસાયટીમા રહેતો અને મજૂરીકામ કરતો કેવલસિંહ પ્રભાતસિંહ ડોડિયા હોવાનું જણાવતા પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ અને એક જીવતો કાર્ટિસ મળી આવતા તેની લોધિકા પોલીસે ધરપકડ કરી તેની પાસેથી હથિયાર અને કાર્ટિસ કબજે કરી પૂછતાછ કરી હતી . પોલીસની પૂછતાછમાં તેને આ હથિયાર રાજકોટમાં રહેતા તેના મિત્ર પાસેથી લીધાનું રટણ કરતાં પોલીસે વધુ પૂછતાછ માટે કેવલસિંહને રિમાન્ડની માંગ સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી કરી છે.
