જુનાગઢની હોટેલમાંથી 2.89 લાખની ઉચાપત કરી 33 હજાર ચોરી કરનાર રાજકોટનો શખ્સ ઝડપાયો
આરોપી હોટેલમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો
જૂનાગઢમાં કાળવા ચોક ખાતેની હોટલ મધુવંતીમાંથી 2.89 લાખની ઉચાપત, 33,000ની ચોરી કરનાર આસી. મેનેજર કાર્તિક મનસુખભાઈ ગોંઢાની પોલીસે અટક કરી પૂછપરછ હાથ ધરી હતી.
શખ્સે હોટેલ મધુવંતીમાં આસી. મેનેજરની નોકરી દરમ્યાન હોટલમાં આવતા કસ્ટમરના નાણાં રોકડમાં લઇ આ નાણાં બેંકમાં જમા થયેલ હોવાની કસ્ટમર રજીસ્ટર તેમજ રોજમેળમાં ખોટી એન્ટ્રીઓ તથા હિસાબો ઉભા કરી હોટલમાંથી રૂૂપિયા 2,89,136ની ઉચાપત અને હોટલમાં રાખેલ રૂૂપિયા 33 હજારની ચોરી કરી નાસી ગયો હતો.
જેની ફરિયાદ મેનેજર ઈર્શાદખાન બશીરખાન બાબીએ ગઈ તા. 27 ઓગસ્ટે બી ડિવિઝનમાં નોંધાવી હતી. જેના પગલે પીઆઈ એ. બી. ગોહિલની ટીમે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી શુક્રવારે મૂળ સુરતનો હાલ રાજકોટ રહેતો આરોપી કાર્તિક મનસુખ ગોંઢાને ગણતરીથી કલાકોમાં ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી.