દ્વારકા જિલ્લાના આસામી સાથે આઈફોન બાબતે છેતરપિંડી આચરનાર રાજકોટનો શખ્સ ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે એક આસામીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક મારફતે સસ્તા ભાવે આઈફોન વેચાણ અંગેની જાહેરાત ધ્યાનમાં આવી હતી. જેને અનુલક્ષીને તેમણે રૂૂપિયા 26,500 નું ઓનલાઈન પેમેન્ટ કરી, આ મોબાઈલ મંગાવ્યો હતો પરંતુ તેમની સાથે ઉપરોક્ત રકમની છેતરપિંડી થતાં આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં બીએનએસ અને આઇટી એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. ત્યારે અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ વિભાગના પી.આઈ. વી.કે. કોઠીયા તેમજ તેમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે વર્કઆઉટ કર્યા બાદ આ પ્રકરણમાં મૂળ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વાસાવડ ગામના વતની અને હાલ રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ખાતે રહેતા જયેશ ઉર્ફે જયદીપ ઉર્ફે ડેવિડ ઉર્ફે જયુ વિઠ્ઠલભાઈ ઝાલા નામના 30 વર્ષના શખ્સની અટકાયત કરી, ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
પોલીસની વધુ પૂછતાછમાં આરોપી જયેશ વિઠ્ઠલભાઈ ઝાલા ધોરણ 12 સુધીના અભ્યાસ પછી આઈ.ટી.આઈ અંગેનો ટેકનિકલ અભ્યાસ કર્યો છે. તેની પાસે આ બાબતની ટેકનિકલ આવડત અને સૂઝબૂઝના આધારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બેનામી પ્રોફાઈલ બનાવીને તેમાં સસ્તા ભાવે મોબાઈલ ફોન તથા બ્રાન્ડેડ ચીજ વસ્તુઓના વેચાણ અંગેની ફેક જાહેરાતો મૂકી, લોકોને વિશ્વાસમાં લઈને છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું જાહેર થયું છે. પોલીસે આરોપી પાસેથી રૂૂપિયા 70,500ની કિંમતના ચાર મોબાઈલ ફોન કબજે લીધા છે.
વધુ વિગતમાં આરોપી સામે રાજકોટમાં ત્રણ, ગીર સોમનાથમાં એક તેમજ સુરતમાં બે સહિત કુલ છ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં તે નાસતો કરતો હોવાનું પણ જાહેર થયું છે.આ સમગ્ર કાર્યવાહી સાયબર ક્રાઇમના પી.આઈ. વી.કે. કોઠીયા તેમજ સ્ટાફના એસ.વી. કાંબલિયા, ધરણાંતભાઈ બંધીયા, ભરતભાઈ ચાવડા, અજયભાઈ વાઘેલા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.