રાજકોટના સોની વેપારી સાથે રૂા.18 લાખની ઠગાઇ
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ રાજકોટના એક શખ્સ સાથે મળીને પિતા-પુત્રી તરીકેની પોતાની ખોટી ઓળખ બતાવી રાજકોટના એક સોની વેપારીને છેતરી લીધા હતા. પોતાનું ફાઈનાન્સ કંપનીમાં ગોલ્ડ ફસાયેલું છે, તે છોડાવવા માટે 18 લાખ જેવી માતબર રકમ બેંક ખાતામાં જમા કરાવી લીધા બાદ સોનું નહીં આપી રફુચક્કર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે રાજકોટમાં નીલકંઠ પાર્ક શેરી નંબર ત્રણ માં રહેતા અને રાજકોટમાં સોના ચાંદીનો શોરૂૂમ ધરાવતા સાહિલ પરેશભાઈ પાલા નામના સોની વેપારીએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં આવીને પોતાની સાથે રાજકોટના આલાભાઇ નકુભા ઝડફવા નામના ગઢવી શખ્સ અને જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતી સેજલબેન સંજયભાઈ રાયચુરા સામે પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી લઈ રૂૂપિયા 18,06,000 ની રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને સીટી સી ડિવિઝન પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર રાજકોટના આલાભાઇ ગઢવી, કે જેઓએ રાજકોટના સોની વેપારીઓનો સંપર્ક કર્યો હતો, અને પોતાની પુત્રી સેજલબેન સંજયભાઈ રાયચુરા કે જે જામનગરમાં રહે છે, તેવી ખોટી ઓળખ આપી હતી. પરંતુ તે તેની પુત્રી થતી ન હતી. છતાં ખોટી ઓળખ આપીને બંનેએ સોની વેપારી પાસે 18 લાખની રકમ માગી હતી.
સેજલબેન ની લાલ બંગલા વિસ્તારમાં આવેલી એક ખાનગી ફાઈનાન્સ કંપનીમાં 27 તોલા સોનું પડેલું છે, જે 18 લાખ રૂૂપિયા ભરીને છોડાવવાનું થાય છે, તેવું પ્રલોભન આપીને સોની વેપારીને જામનગર બોલાવી લીધા હતા, અને ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી બેંકના ખાતામાં તે રકમ સોની વેપારી મારફતે જમા કરાવી લીધી હતી.
તે રકમ જમા કરાવ્યા બાદ પોતે લાલ બંગલા ની બ્રાંચમાંથી સોનુ છોડાવીને આપી જાય છે, તેમ કહી લાલ બંગલા વિસ્તારમાં તમામ લોકો આવ્યા હતા, ત્યારે સોની વેપારી ને પોતાની કાર માં બેસાડી રાખ્યા હતા, અને સૌ પ્રથમ સેજલબેન રફુ ચક્કર થઈ ગઈ હતી, અને ત્યારબાદ આલાભાઇ ગઢવી પણ ત્યાંથી સોની વેપારીને છેતરીને નાસી જતાં આખરે આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને વિશ્વાસ અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પીએસઆઇ વી. એ. પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.