જેતપુરમાં 8.34 લાખનું સોનું લઇ ભાગેલા રાજકોટનો ગઠીયો ઝડપાયો
જેતપુરમાં રહેતા સોની વેપારી સાથે રૂા. 8.34 લાખની છેતરપીંડી કરનાર રાજકોટના ગઠિયાને પોલીસે ઝડપી લીધો છે. ગ્રાહક બનીને સોની વેપારી પાસેથી 10 તોલા સોનાની રૂા. 8.34 લાખની લગડી ખરીદી 50 હજાર આપી બાકીની રકમ લેવા માટે જેતપુરના જીમખાના પાસે બોલાવીને આ ગઠિયો ફરાર થઈ ગયો હતો જે મામલે પોલીસે ગુનો દાખલ કરી આ ગઠિયાની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના અમરનર રોડ ઉપર શ્રીજી સ્કૂલ પાસે રહેતા અને જેતપુરમાં એમ.જી રોડ પર પટેલ ગોલ્ડ નામની સોના-ચાંદીની દુકાન ધરાવતા વેપારી વિપુલ રણછોડભાઈ સોજીત્રાની ફરિયાદના આધારે રાજકોટના કશ્યપ રામાણી સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં વિપુલભાઈ એ જણાવ્યા અનુસાર પોતે સોના-ચાંદીનો વ્યવસાય કરતા હોય તેમની દુકાને ગત તા. 6/3ના રોજ ગ્રાહક બનીને આવેલા કશ્યપ રામાણીને રૂા. 8.84 લાખની 10 તોલા સોનાની લગડી ખરીદી હતી. અને જે બીલના રૂા. 50 હજાર રોકડા ચુકવી આ 10 તોલાની સોનાની લગડી તથા બીલ જીમખાના પાસે આપી જવાનું કહી બાકીનું પેમેન્ટ ત્યાંથી લઈ જવાની વાત કરી હતી. જેથી વિપુલભાઈના ઓફિસમાં કામ કરતા હર્ષદભાઈ 10 તોલાની સોનાની લગડી લઈને જીમખાના કોમ્પલેક્ષ ખાતે કશ્યપ રામાણીને મળવા ગાય હતા.
કશ્યપે આ 10 તોલાની સોનાની લગડી લઈ અને હર્ષદભાઈને બે મીનીટમાં કારમાંથી બાકીનું પેમેન્ટ લઈને આવુ છું તેમ કહીને 10 તોલા સોનાની લગડી લઈને ભાગી ગયો હતો. આ મામલે જેતપુર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે રાજકોટના કશ્યપ રામાણીની ધરપકડ કરી છે. કશ્યપે અન્ય કોઈ વેપારીને આ રીતે છેતર્યા છે કે કેમ તે મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.