ધંધુકા ભાણેજના લગ્નમાંથી પરત ફરતા રાજકોટના પરિવારને ચોટીલા પાસે નડ્યો અકસ્માત
અજાણ્યા વાહનચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા દંપતી, પુત્ર અને પુત્રીને ઇજા
રાજકોટમાં બેડીપરા વિસ્તારમાં રહેતો પરિવાર ધંધુકા ભાણેજના લગ્ન પતાવી પરત ફરી રહ્યો હતો. ત્યારે ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે અજાણ્યા વાહન ચાલાકે રીક્ષાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં દંપતી અને બે સંતાનોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં બેડીપરા વિસ્તારમાં રહેતા મુકુદલ શબીરભાઈ ઘોઘારી (ઉ.વ.40), તેની પત્ની ફરીદાબેન મુકુદલભાઈ ઘોઘારી (ઉ.વ.38), પુત્ર મહમદ મુકુદલભાઈ ઘોઘારી (ઉ.વ.12) અને પુત્રી બનુલ બેન મુકુદલભાઈ ઘોઘારી (ઉ.વ.17) રિક્ષામાં બેસી ચોટીલા તરફથી રાજકોટ આવતા હતા ત્યારે આપાગીગાના ઓટલા પાસે અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક જ પરિવારના ચારેય સભ્યોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં પરિવાર ધંધુકા ભાણેજના લગ્ન પ્રસંગમાં ગયો હતો અને ભાણેજના લગ્ન પતાવી પરિવાર રાજકોટ આવવા પોતાની રીક્ષા લઈને પરત ફર્યો હતો ત્યારે આપાગીગાના ઓટલા પાસે અજાણ્યા કાર ચાલકે રિક્ષા અને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.