રાજકોટના દંંપતી સાથે મોરબીની ફેકટરીના ભાગીદારોએ 81 લાખનો ચુનો ચોપડતા ફરિયાદ
હિસાબમાં ગોલમાલ કર્યા બાદ રૂા.40 લાખનો માલસમાન અને મશીનરી પણ ઓળવી ગયા
મોરબીના પીપળી ગામ નજીક ભાગીદારીમાં કેબલની ફેક્ટરી નાખ્યા બાદ રાજકોટના ભાગીદાર દંપતીની જાણ બહાર મોરબીના ભાગીદારોએ હિસાબમાં ગોટાળા કરી અને ફેકટરીમાં રહેલ રૂૂ.40 લાખનો માલસામાન અને મશીનરી લઇ જઇને 81 લાખથી વધુની ઠગાઇ કરતા મહિલા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવાઇ છે.
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર રહેતા હેમેન્દ્રભાઈ હરિલાલભાઈ શીલુ(ઉ.વ.42)એ આરોપી હિતેશ નથુભાઈ કૈલા, સુમિતાબેન હિતેશભાઈ કૈલા, રવિભાઈ કાંતિલાલ ડઢાણીયા(રહે.ત્રણેય ઉમા ટાઉનશીપ મોરબી), અશ્વિન નથુભાઈ કૈલા(રહે.મોરબી) અને રજની અરજણભાઈ હેરણીયા (રહે. નિકુંજ પાર્ક,રવાપર રોડ મોરબી) એમ પાંચ આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યું છે કે તેઓએ આરોપી હિતેશ અને રવિ સાથે પીપળી ગામે એચ આર કેબલ ફેકટરી ભાગીદારીમાં શરૂૂ કરી હતી. આ ફેક્ટરીમાં હેમેન્દ્રભાઈના પત્ની પણ ભાગીદાર હતા.
બાદમાં દંપતીની જાણ બહાર આરોપી ભાગીદારોએ એચ આર કેબલ ફેકટરીના હિસાબના રોજમેળમાં ખોટા હિસાબો અને ભાગીદારી ડીડમાં ના હોય તેમ છતાં બે વ્યક્તિને ભાગીદાર દર્શાવી તેને છુટા કર્યા પેટે ખોટો હિસાબ દર્શાવી દીધો હતો.
તેમજ પેઢીના નામે નાણાંની જરૂૂરિયાતના બહાને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ઉછીના રૂૂપિયા મેળવી તેનું વ્યાજ ચૂકવ્યાની એન્ટ્રી દર્શાવી, અને ફેકટરીમાં પડેલ રૂૂપિયા 40 લાખનો માલસામાન, મશીનરી ભરી લઇ ગયા હતા.આમ કુલ રૂૂ.81,40,985ની ઠગાઇ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.