રાજકોટના વેપારીને ડિજિટલ એરેસ્ટ કરી 5.35 લાખ પડાવ્યા
મુંબઇ ઇડીના અધિકારીનો સ્વાંગ રચી વેપારીના ડોકયુમેન્ટના આધારે ખરીદેલા સિમ કાર્ડનો ગેરકાયદેસર આર્થિક વ્યવહારમાં ઉપયોગ થયાનો ડર બતાવી રૂપિયા પડાવ્યા
રાજકોટના વેપારીની ડીજીટલ એરેસ્ટ કરી મુંબઇ ઇડીના અધિકારીના નામે તેની પાસેથી રૂ. પ.3પ લાખ પડાવ્યાની ફરીયાદ સાયબર ક્રાઇમ પોલીસમા નોંધાઇ છે. જે મામલે પોલીસે આ સાયબર માફીયા ગેંગને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
વેપારીને તેમના નામનુ સીમ કાર્ડ ખરીદવામા આવ્યુ હોય અને તેનો ગેરકાયદેસર આર્થીક વ્યવહારમા ઉપયોગ થયાનો ડર બતાવી સાયબર માફીયાઓએ અલગ અલગ બેંક એકાઉન્ટમા રૂપીયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.
મળતી વિગતો મુજબ રાજકોટના સત્યસાંઇ હોસ્પીટલ રોડ પર પ્રધ્યુમન પાર્ક 4 મા રહેતા પ્રવિણભાઇ ધીરજભાઇ ઉધાડ (ઉ.વ. 47) એ નોંધાવેલી ફરીયાદમા જણાવ્યા મુજબ ગત 29 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે તેમના મોબાઇલમા વોટસઅપ કોલ આવ્યો હતો.
જેમા કોલ કરનારે પોતાની ઓળખ મુંબઇ ઇડીના અધિકારી તરીકે આપી અને પ્રવિણભાઇના ડોકયુમેન્ટના આધારે ખરીદેલા સીમ કાર્ડનો ગેરકાયદેસર હવાલા કાંડમા ઉપયોગ થયાનુ જણાવી તેમને આ મામલે ડીજીટલ એરેસ્ટની ધમકી આપી હતી અને સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી રૂમમા બંધ રાખી ડીજીટલ એરેસ્ટ કર્યા બાદ આ ગઠીયાએ પ્રવિણભાઇને તેમના એકાઉન્ટની માહીતી વેરીફાઇ કરવાના ડર બતાવી અલગ અલગ બેંક એકાઉન્ટમા રૂ. પ.3પ લાખ બળજબરીથી ટ્રાન્સફર કરાવી લીધા હતા.
ભોગ બનનાર પ્રવિણભાઇના મિત્ર ઘરે આવ્યા બાદ તેમને આ બાબતની વાત કરતા આ ડીજીટલ એરેસ્ટના નામે છેતરપીંડી થયાનુ જાણવા મળતા આ મામલે પ્રવિણભાઇએ 1930 ઉપર ફરીયાદ કર્યા બાદ આ અંગે રાજકોટ સાયબર ક્રાઇમમા પ્રવીણભાઇની ફરીયાદ નોંધવામા આવી હતી અને અલગ અલગ બેંક ખાતા ધારકો તથા તપાસમા ખુલે તે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી સાયબર ક્રાઇમના એસીપી ચિંતન પટેલ અને તેમની ટીમે વધુ તપાસ શરૂ કરી છે.