રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ પ્રકરણમાં હથિયાર સાચવવા રાખનાર રાજકોટના એડવોકેટની ધરપકડ
રીબડા પેટ્રોલપંપ પર ફાયરિંગ પ્રકરણની ઘટનામાં વધુ એક શખ્સની ભુમિકા ખુલી છે. ફાયરિંગમાં વપરાયેલું હથિયાર હાર્દિકસિંહે રાજકોટના એડવોકેટ રવિ ગમારાને સાચવવા આપ્યાનો ખુલાસો થતાં ગોંડલ તાલુકા પોલીસની ટીમે તેની ધરપકડ થઈ છે.બનાવ અંગે ગત તા. 24 જુલાઈની મોડી રાત્રે રીબડા ખાતે અનિરૂૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ પર બે બુકાનીધારી શખ્સોએ ટુ વ્હીકર પર ધસી આવી ફાયરિંગ કર્યું હતું. જે બાદ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી જામકંડોરણા તાલુકાના અડવાલ ગામના રહેવાસી અને મર્ડર કેસમાં પેરોલ જમ્પ હાર્દિકસિંહ જાડેજાએ ફાયરિંગની જવાબદારી સ્વીકારી હતી.
વધુમાં મળતી વિગતો અનુસાર, રીબડામાં અનિરૂૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગ કરાવવાના ગુન્હામાં રીમાન્ડ પર રહેલ હાર્દિકસિંહ જાડેજાની પુછતાછમાં રાજકોટ સ્થિત સાગ્રીત રવિ ગમારા (રહે. યુનિવર્સિટી રોડ, રાજકોટ)નું નામ ખુલતા તેની તાલુકાના પીઆઇ અજીતસિંહ પરમાર તથા પીએસઆઇ રાજદીપસિંહ જાડેજાએ ધરપકડ કરી હતી.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ પ્રથમવાર જયારે શાર્પ શૂટરો ફાયરિંગ કરવા આવ્યા ત્યારે ફાયરિંગનો પ્લાન નિષ્ફળ રહ્યો હતો. જે બાદ હથિયાર રાજકોટના એડવોકેટ રવિ ગમારાએ હાર્દિકસિંહના કહેવાથી હથિયાર પોતાના કબ્જામાં રાખી સાચવ્યું હતું અને જયારે જયારે જરૂૂર પડી ત્યારે શાર્પ શૂટરોને વકીલે જ હથિયાર આપ્યાનો ખુલાસો થવા પામતા ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઈ એ. ડી. પરમાર સહીતની ટીમ રાજકોટ દોડી આવી હતી અને યુનિવર્સીટી રોડ વિસ્તારમાંથી એડવોકેટ રવિ ગમારાને ઉઠાવી ગોંડલ લઇ જવાયો હતો. હાલ પોલીસે એડવોકેટની ભુમિકા તપાસવા તેમજ આગળની કડીઓ મેળવવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.હાર્દિકસિંહની પુછતાછમાં વધુ સાગ્રીતોના નામ ખુલે તેવી વકી છે.