ભીસ્તીવાડ અને બાલાજી હોલ પાસે ડેરીમાં ચાલતી દારૂની મહેફીલમાં દરોડો, આઠ ઝડપાયા
શહેરના ભીસ્તીવાડ પાસે વાલ્મીકી આવાસ યોજનામાં જાહેરમાં અને બાલાજી હોલ પાસે દુધની ડેરીમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વેપારી અને ત્રણ સફાઈ કામદાર સહિત આઠ શખ્સોને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતાં.
વધુ વિગતો મુજબ, પ્ર.નગર પોલીસ મથકમાં પીએસઆઈ આર.કે.ગોહિલ, તોફીકભાઈ મંધરા અને સ્ટાફે બાતમીના આધારે ભીસ્તીવાડ વાલ્મીકી આવાસમાં જાહેરમાં દારૂની મહેફીલ માણતા હોવાનું જાણવા મળતાં દરોડો પાડી મોચીબજાર ખાડામાં રહેતા વિશાલ બળવંતભાઈ બેડીયા (સફાઈ કામદાર), પરસાણાનગર શેરી નં.8માં રહેતા સફાઈ કામદાર ભાવેશ દિલીપભાઈ વાઘેલા, જામનગર રોડ વાલ્મીકીવાળી શેરી નં.2માં રહેતા સતિશ રમેશ રાઠોડ, ખાટકીવાસની સામે રહેતા શ્યામ રાજુ સોલંકી અને એરપોર્ટ રોડ અમરજીતનગર શેરી નં.3માં રહેતા રવિ જગદીશ શિંગાળાને ઝડપી લઈ તેઓ પાસેથી દારૂની પ્લાસ્ટીકની બોટલ, પાંચ ગ્લાસ તેમજ નમકીન સહિતની વસ્તુ કબજે કરી હતી. જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસ મથકમાં પીએસઆઈ કે.એચ.કારેણા અને પાર્થભાઈ સહિતના સ્ટાફે બાલાજી હોલ પાછળ સાગર કોમ્પલેક્ષમાં આવેલી જનતા ડેરીમાં દરોડો પાડી જામનગર સર્કલ પાસે પ્રણામી પાર્ક શેરી નં.2માં રહેતા પ્રવિણ પ્રેમજી ફાચરા, પાળ ગામે રહેતા નિલેશ બાવાભાઈ ટિલાળા અને મવડી પોલીસ હેડકવાર્ટર પાછળ ઈસ્કોન એપાર્ટમેન્ટ ફલેટ નં.201માં રહેતા વેપારી સુરેશ જેરામભાઈ સોજીત્રાને દારૂની એક બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતાં. આ ત્રણેય આરોપીઓ દારૂની મહેફીલ માણતા હોવાનું પોલીસમાંથી જાણવા મળી રહ્યું છે.