ગોંડલ હાઈવે પર બે કારના અકસ્માત બાદ બે પરિવાર વચ્ચે જાહેરમાં મારામારી
રાજકોટ ગોેંડલ હાઈવે પર રામદ્વાર પાસે બે કાર વચ્ચે થયેલી ટક્કર બાદ બન્ને કારમાં બેઠેલા પરિવાર વચ્ચે ઝઘડો થયા બાદ વાત મારામારી સુધી પહોંચી હતી અને કારમાં તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે રાજકોટનાં એકાઉન્ટન્ટ અને ટંકારાના પરિવારે સામાસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ, રાજકોટનાં પુનિતનગર કળશ એપાર્ટમેન્ટમાં રહેતાં એકાઉન્ટન્ટ જય અરવિંદભાઈ કલોલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબીનાં પારસ ગીરધર વાઘેલા, વાંકાનેરના ભાવિન વિક્રમ ચાવડા, હળમતીયાના અનિલ લાલજી પરમાર અને મુળીના મુકેશ આંબાભાઈ ઝાલાનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ જયભાઈ પોતાની વેગનઆર પોતાની જીજે.3.એચ.કે.5875 લઈને ગોંડલના રામદ્વાર પાસેથી પસાર થતાં હતાં ત્યારે સ્કોર્પિયો નંબર જીજે.36 એ.પી.1699 સાથે ટક્કર થતાં કારમાં બેઠેલા ચારેય શખ્સોએ ઝઘડો કર્યો હતો અને જયભાઈની વેગનઆર કારમાં પથ્થરના ઘા મારી કાચ ફોડી નાખ્યો હતો.
સામા પક્ષે ટંકારના હડમતીયા ગામે રહેતા અનિલ લાલજી પરમારની ફરિયાદના આધારે રાજકોટનાં એકાઉન્ટન્ટ જય અરવિંદ કલોલા, તેની પત્ની પ્રિયંકાબેન કલોલા તથા જેતપુરના ચાંદની પારસ આગોલા સામે ગુનો નોંધાયો છે. જય અને તેની પત્ની તથા ચાંદનીબેને કારના અકસ્માત બાદ વેગનઆર કારમાંથી નીચે ઉતરી ઝઘડો કરી સ્કોર્પિયોનો કાચ ફોડી નાખ્યો હતો. આ મામલે બન્ને પક્ષની ફરિયાદ નોંધી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.