પ્રોપર્ટીમાં ઊંચા વળતરની લાલચ આપી PSI સાથે 5.50 લાખની ઠગાઇ
રાજકોટના ગાંધીગ્રામમાં ફરજ બજાવતા હતા ત્યારે એક ગઠિયા સાથે મુલાકાત થઇ હતી
આરોપી દારૂ-જુગારની બાતમી આપીશ તેમ કહેતો હતો: પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો
પ્રોપર્ટીમાં ઊંચા વળતરની લાલચ આપી અગાઉ રાજકોટના ગાંધીગ્રામ પોલીસમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ જૂનાગઢ પીટીસી ખાતે ફરજ બજાવતાં પીએસઆઈ મહેન્દ્રભાઈ ભીખુભાઈ જેબલિયા (ઉ.વ. 48, રહે. રેસકોર્સ બિલ્ડીંગની બાજુમાં , રાજેશ -ઇ-5) સાથે તેના જ મિત્ર નયન જતીન સેજપાલ (રહે. સિનર્જી હોસ્પિટલ પાસે)એ રૂૂ. 5.50 લાખની છેતરપિંડી કર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદમાં પીએસઆઈ જેબલીયાએ જણાવ્યું છે કે 2019માં રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે ફરજ બજાવતા હતા ત્યારે આરોપી સાથે સંપર્ક થતાં મિત્રતા થઇ હતી. તે વખતે આરોપીએ કહ્યું કે હું જમીન-મકાનની દલાલી કરું છું, તમારે પ્રોપર્ટીમાં રોકાણ કરવું હોય તો કહેજો. ત્યારબાદ આરોપીએ પ્રોપર્ટીનું લિસ્ટ બતાવ્યું હતું.
જે બાદ અવારનવાર કોલ અને વોટ્સએપ કોલ કરી, દારૂૂ અને જુગારની બાતમી આપીશ તેમ પણ કહેતો હતો. 2019ની સાલમાં આરોપીએ તેને કોલ કરી સિનર્જી હોસ્પિટલ પાસે પ્રોપર્ટી બતાવવા બોલાવ્યા હતાં. જ્યાં જતાં આરોપીએ કહ્યું કે રૂૂ. 5 લાખની વ્યવસ્થા કરો, રૂૂ. 25 લાખના ફલેટનું ટોકન આપવાનું છે, એક ફલેટ લેનાર ગ્રાહક છે જેને રૂૂ. 29 લાખમાં વેચી દેવાથી રૂૂ. 4 લાખનો નફો થશે, જેમાંથી હું તમને રૂૂ. 2 લાખ આપીશ.ેજેથી આરોપીને રૂૂ. 5 લાખની વ્યવસ્થા કરી આપી દીધા હતાં.
તે વખતે આરોપીએ કહ્યું કે સામેની પાર્ટી ફલેટ લેવા તૈયાર જ છે, લોન પણ તૈયાર જ છે, તેમના મકાનનો કબજો આપણી પાસે જ છે તેમ કહી વિશ્વાસમાં લીધા હતાં. એટલું જ નહીં તેણે પણ બાતમી મેળવવા અલગ-અલગ વાતો કરી હતી. થોડીવાર બાદ આરોપીની ઓફિસમાં એક યુવતી આવી હતી. જેને આરોપી બેટા કહીને બોલાવતો હતો. આરોપીએ રકમ એ યુવતીને ગણવા માટે આપી દીધી હતી. બીજા દિવસે આરોપીએ ઘંટેશ્વર પાસે ફોરચ્યુનર સેરેમનીમાં ફલેટ દેખાડયો હતો અને કહ્યું કે આ ફલેટનો સોદો આપણે કરવાના છીએ. દિવસો પસાર થતા આરોપીને સોદા બાબતે પૂછતાં ગલ્લા-તલ્લાં અને રાહ જોવાનું કહેવાનું શરૂૂ કર્યું હતું. મહિનાઓ પસાર થયા બાદ આરોપી પાસે પૈસા પરત માંગતા કહ્યું કે તમારા હિસાબમાં આવતા વધારાના 2 લાખમાંથી દોઢ લાખ આપું છું, બાકીના 50,000 પછી આપીશ, પાંચ લાખની મૂડીની હાલ મારે જરૂૂર છે અને તેનું રોકાણ પણ થઇ ગયું છે, તમે થોડી રાહ જુઓ. આ રીતે આરોપીએ રૂૂ. 5 લાખ તેની પાસેથી લઇ નફા પેટેના રૂૂ. 2 લાખમાંથી રૂૂ. દોઢ લાખ આપી નફાના રૂૂ. 50,000 ઉપરાંત મૂડીના રૂૂ. 5 લાખ એમ કુલ રૂૂ. 5.50 લાખ નહીં આપતાં આખરે આજે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ સહિતના પૂરાવા રજૂ કરવાની વાત કરી છે.
પીએસઆઇએ પૈસા માંગતા આરોપીએ કહ્યું,મારે ગામમાં એક કરોડ આપવાના છે હું દેણાંમાં ફસાયો છું
પીએસઆઈ જેબલિયાએ જણાવ્યું છે કે તેની પાસે પ્રોપર્ટીમાં રોકવા માટે રકમ ન હતી.પરંતુ આરોપીએ ગમે ત્યાંથી રકમની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. જેથી તેણે નાના ભાઈ નરેન્દ્રને કહી રૂૂ. 5 લાખની વ્યવસ્થા કરી હતી. ત્યાર પછી કાર લઇ એક રેસ્ટોરન્ટમાં આરોપીને રકમ આપવા ગયા હતાં. જ્યાંથી આરોપીએ પોતાની ઓફિસમાં આવવાનું કહેતા શંકા ગઇ હતી. જેને કારણે મોબાઇલમાં વીડિયો રેકોર્ડિંગ ચાલુ કર્યું હતું અને રૂૂ. 5 લાખ આરોપીને આપી દીધા હતા.પીએસઆઈ જેબલિયાએ જણાવ્યું છે કે સમય વિતતા જતાં આરોપી પાસે અવારનવાર ઉઘરાણી કરતાં કહેતો કે મારે ગામમાં એક કરોડ ચૂકવવાના છે, હું દેણામાં ફસાઈ ગયો છું,હમણા મારી પાસે પૈસા નથી તેમ કહી રાહ જોવાનું કહેતો હતો.