લાંચ કેસમાં પીએસઆઈ અને રાઈટરના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયા
જામનગરમાં ગત તા.11 જૂનના રોજ એસીબીની ટીમે જામનગરની એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ્ટેબલ રવિ શર્માને રૂૂ. 1 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા બાદ આ કેસમાં ઉદ્યોગનગર પોલીસ ચોકીના પીએસઆઈ આર.ડી.ગોહીલ અને રાઈટર ધમભાઈ બટુકભાઈ મોરીના નામ પણ ખુલ્યા હતા. ત્યારપછી થી તેઓ પોલીસ ફરજમાં થી ગેરહાજર બની ગયા હતા. જેને એ.સી.બી. ની ટુકડી શોધી રહી હતી, દરમિયાન પીએસઆઇ આર.ડી. ગોહિલ દ્વારા જામનગરની અદાલતમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી, પરંતુ તે અરજી રદ કરવામાં આવી હોવાથી પીએસઆઇ ની ધરપકડનો માર્ગ મોકળો બન્યો હતો.
દરમિયાન બન્નેની એસીબીએ તા.3ના રોજ ધરપકડ કરી લીધી હતી. અને તારીખ 4 ના રોજ અદાલત સમક્ષ રજૂ કરી બન્ને ના એક દિવસના રીમાન્ડ મેળવાયા હતા. જોકે અભિમાન દરમિયાન અન્ય કોઈ વસ્તુ હાથ લાગી નથી. બંનેના મકાનોની ઝડતી કરવામાં આવી હતી, અને બેંકની વિગતો પણ મેળવાઇ હતી.
જેઓની રિમાન્ડ ની મુદ્દત પૂરી થતાં ગઈકાલે સાંજે ફરીથી જામનગર એસીબી ની ટિમ દ્વારા બન્ને ને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં અદાલતે બન્નેને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે.જે બંનેને જામનગરની જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.