જામનગરમાં સગર્ભા પરિણીતાને તું ડાકણ છો એમ કહી ઘરમાંથી કાઢી મૂકી
જામનગરના ગોકુલ નગર નજીક મયુર નગર શેરી નંબર બે માં રહેતી દક્ષાબેન અજયભાઈ વરદોડીયા નામની 32 વર્ષની સગર્ભા પરણીતા ને તેણીના સાસરીયાઓએ તું ડાકણ છો, તેમ કહી મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢ્યા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
જે ફરિયાદના અનુસંધાને પોલીસે દક્ષાબેન ના પતિ અજયભાઈ હરેશભાઈ વરદોડીયા, સસરા હરેશભાઈ લખુભાઈ વરદોડીયા, સાસુ વિજયાબેન હરેશભાઈ વરદોડિયા, અને નણંદ રીનાબેન વિરમભાઈ રાઠોડ સામે બીએનએસ -2033 ની કલમ 85,115(2), 352 અને 54 મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર દક્ષાબેન ના લગ્ન અજય વરદોડીયા સાથે આજથી 9 વર્ષ પહેલા થયા હતા. જે લગ્ન થકી એક પુત્રી નો જન્મ થયો હતો, જે હાલ છ વર્ષની છે, અને તેણી મંદબુદ્ધિની છે. જ્યારે હાલમાં દક્ષાબેન પોતે ગર્ભવતી છે, અને ચાર માસનો ગર્ભ છે. દક્ષાબેન ના સસરા તું ડાકણ છે, અને જાદુટોના કરે છે, તેમ કહી ત્રાસ ગુજારતા હતા. સાસુ સસરા ના ત્રાસ ના કારણે થોડો સમય પતિ પત્ની અલગ રહેતા હતા. પરંતુ હાલમાં દક્ષાબેન ના દિયર ના લગ્ન હોવાથી ઘરમાં હાજર ન રહે તે માટે દક્ષાબેનને ઘરમાંથી હાંકી કાઢી હતી. જેથી તેણી પોતાની માતાને ઘેર પડધરી રહેવા માટે ચાલી ગઈ હતી.
ત્યારબાદ પતિએ તેણીનો અને પુત્રીનો સામાન લઈ જવાનું કહ્યું હતું, જેથી દક્ષાબેન પોતાનો સામાન લેવા માટે આવતાં તમામ આરોપીઓએ ઢીકા પાટુ નો માર માર્યો હતો, અને સગર્ભા હોવા છતાં લાતો મારી ઘરમાંથી હાંકી કાઢી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
