ગોંડલના કુખ્યાત ગુનેગારોને તહેવારો ઉપર શાનમાં સમજી જવા પોલીસની તાકીદ
ચોરી અને માદક પદાર્થની હેરાફેરી સહિતના ગુનામાં પકડાયેલા ગુનેગારોની ઓળખ પરેડ
ગોંડલ શહેર તેમજ તાલુકા વિસ્તારમાં અગાઉ ચોરી તેમજ માદક પદાર્થોની હેરાફેરી સહિતના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ગુનેગારોને ગોંડલ પોલીસ દ્વારા તહેવારો દરમિયાન કોઈ ગુનાહિત પ્રવૃતિ નહીં આચરવા અને શાનમાં જ સમજી જવા તાકીદ કરી તમામને પોલીસ સ્ટેશને બોલાવી ખાસ સુચના આપી હતી. તેમજ ગુનાહિત ઈતિહાસ ધરાવતાં ગુનેગારોને હાલ શું કરે છે ? તે સહિતની બાબતો ઉપર પુછપરછ કરી તેમની ઓળખ પરેડ કરી હતી.
ગૃહ વિભાગનાં મેન્ટર પ્રોજેકટ અન્વયે ગોંડલ પોલીસ દ્વારા રેન્જ આઈ.જી.અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા હિંમકર સિંહની સુચનાથી મિલકત સંબંધીત તેમજ એન.ડી.પી.એસ.ડોઝીયૅસને પોલીસ સ્ટેશને રોલ કોલ સમયે હાજર રાખી આવા ગુનાહિત ઈતિહાસ ધરાવતાં ગુનેગારોની હાલની પ્રવૃતિ બાબતે પોલીસને માહિતી મળે તે માટે તમામની પુછપરછ કરી ઓળખ પરેડ કરવામાં આવી હતી.
તેમજ વર્તમાન સંજોગોમાં ંને ખાસ કરીને તહેવારોમાં આવા કોઈ ગુના ફરીથી ન આચરે તેને લઈને પોલીસે આવા ગુનેગારોને કડક સુચના આપી હતી. ગોંડલ વિભાગનાં ડીવાયએસપી કે.જી.ઝાલા સાથે પીઆઈ જે.પી.રાવ સહિતના પોલીસ સ્ટાફે આ મેન્ટર પ્રૌજેકટ અંતર્ગત બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તમામની ઓળખ પરેડ કરી હતી. ભૂતકાળમાં ચોરી તેમજ માદક પદાર્થોની હેરાફેરી સહિતના ગંભીર ગુના આચરનાર આવા ગુનાહિત ઈતિહાસ ધરાવતાં 50થી વધુ ઈસમોને પોલીસ સ્ટેશને બોલાવીને તેમની પુછપરછ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં ફરીથી ગુના ન આચરે તે બાબતે કડક સુચના આપવામાં આવી હતી.