પોલીસની એક જ દિવસમાં 1007 અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી
રાજ્ય સરકારના આદેશ છૂટતા હાલારની પોલીસ એકશનમાં: 22 ગેરકાયદેસર વીજજોડાણ ઝડપાતા રૂા.14.23 લાખનો દંડ ફટકારાયો, 8 સામે ગુનો દાખલ: 38 વાહનો ડિટેઇન કર્યા
જામનગર શહેરમાં ગુનાખોરીને ડામવા અને અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસ વિભાગે સઘન ઝુંબેશ હાથ ધરી હતી. ગુજરાત રાજ્યના પોલીસ વડાના આદેશ અનુસાર, 15 માર્ચથી શરૂૂ થયેલી આ ઝુંબેશમાં જામનગર પોલીસે તા. 18.03.2025ના રોજ એક જ દિવસમાં 1007 જેટલા લોકો સામે કાર્યવાહી કરી હતી. આ ઝુંબેશમાં પોલીસે એમ.વી.એક્ટ કલમ 207 હેઠળ 38 વાહનો ડિટેઇન કર્યા હતા, 11 હિસ્ટ્રી સીટરો અને 21 ગુનાહિત ભૂતકાળ ધરાવતા વ્યક્તિઓની તપાસ કરી હતી, 79 શંકાસ્પદ ઇસમોને ચેક કર્યા હતા, 708 શંકાસ્પદ વાહનોની તપાસ કરી હતી, પ્રોહીબિશનના 54 કેસ કર્યા હતા, 17 ટપોરીઓ અને માથાભારે ઇસમોને ચેક કર્યા હતા, 7 ડોઝિયર્સ ચેક કર્યા હતા, ડ્રિંક એન્ડ ડ્રાઇવના 3 કેસ નોંધ્યા હતા, મિલકત સંબંધિત 43 આરોપીઓની તપાસ કરી હતી અને 26 લિસ્ટેડ બુટલેગરોને ચેક કર્યા હતા.
આ ઉપરાંત, પોલીસે પી.જી.વી.સી.એલ.ની ટીમ સાથે મળીને ગેરકાયદેસર વીજ જોડાણો ધરાવતા અસામાજિક તત્વો સામે પણ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં 22 ગેરકાયદેસર વીજ જોડાણો શોધીને કાપવામાં આવ્યા હતા અને રૂૂ. 14,23,421નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, જ્યારે 8 વ્યક્તિઓ સામે ગુના પણ દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસની આ ઝુંબેશથી શહેરમાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે. જામનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઝુંબેશ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને શહેરને ગુનાખોરી મુક્ત બનાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે.રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશ અનુસાર, જામનગર જિલ્લા પોલીસ દ્વારા ગુનેગારો, અસામાજિક તત્વો અને બુટલેગરો સામે કડક કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી, જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોના સ્ટાફ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી અને તેમના ઘરે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
ગત રાત્રે, સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિતના સ્ટાફે શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા લિસ્ટેડ બુટલેગર હિતેષ (ઉર્ફે સાકીડો) સોમાભાઈ ચાવડા, ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા લિસ્ટેડ બુટલેગર દીપક (ઉર્ફે અટાપટુ) જેઠવાણી અને 58 દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા લિસ્ટેડ બુટલેગર દીપક (ઉર્ફે દિપુ સરગમ) ખીચડાના ઘરે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
આ દરમિયાન, સાધના કોલોની વિસ્તારમાં રહેતા લિસ્ટેડ બુટલેગર હિતેષ (ઉર્ફે સાકીડો) સોમાભાઈ ચાવડાના ઘર નજીક એક દેશી દારૂૂની મહેફિલમાં મોજ માણતા 6 પીધેલા શખ્સો ઝડપાયા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ તમામ શખ્સોને સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનેગારો અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કટિબદ્ધ છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે લોકોને શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી.